ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ શહેરમાં સી.બી. સ્કૂલના મેદાન પર રંગતાળી ગરબા અને બંદર રોડ તેમજ તરિયાવાડ અને ગરબા સ્થળની 181 અભયમની ટીમે મુલાકાત લઈ મહિલાઓ અને યુવતીઓને સુરક્ષા અંગે જાગૃત કરી મુશ્કેલીના સમયે 181નો સંપર્ક કરવા સમજ આપી હતી.
નવરાત્રિના પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબાનો આનંદ માણી શકે અને કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં સમયસર સહાય મેળવી શકે તે હેતુથી ગુજરાત સરકારની 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા વિવિધ ગરબા સ્થળોએ વિશેષ જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત વલસાડના બંદર રોડ, તરિયાવાડ અને સીબી હાઈસ્કૂલના મેદાન પર આયોજિત રંગતાળી ગરબા કાર્યક્રમમાં 181 અભયમની ટીમ પહોંચી હતી. આ દરમિયાન મહિલાઓ, યુવતીઓ અને ખેલૈયાઓ સાથે સીધો સંવાદ સાધી મહિલા સુરક્ષા, વ્યક્તિગત સલામતી તથા મુશ્કેલીના સમયે મદદ મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 181 અભયમની ટીમ દ્વારા મહિલાઓ અને યુવતીઓને ગરબા દરમિયાન છેડતી, અયોગ્ય સ્પર્શ, અશોભનીય ટિપ્પણી, અપશબ્દો, પીછો કરવો, ધમકી આપવી કે અન્ય કોઈપણ પ્રકારની હેરાનગતિ જેવી પરિસ્થિતિઓથી સાવચેત રહેવા સમજાવવામાં આવી હતી. આવી કોઈ ઘટના બને તો ગભરાયા વિના પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવા, નજીકના સુરક્ષાકર્મી અથવા પોલીસની મદદ લેવા તથા જરૂરિયાત મુજબ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નવરાત્રિમાં અસુરક્ષાનો અનુભવ થાય તો ચૂપ ન રહો, તુરંત 181 ડાયલ કરો
નવરાત્રિ દરમિયાન ગરબાના કાર્યક્રમો મોડી રાત સુધી ચાલતા હોવાથી મહિલાઓને વિશ્વાસુ વ્યક્તિઓ સાથે આવવા-જવા, પરિવારજનોને પોતાના સ્થળ અને આવવા-જવાના સમયની જાણ કરવા, મોબાઇલ ફોન ચાર્જ રાખવા તથા શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત અને પ્રકાશિત માર્ગનો ઉપયોગ કરવા સમજાવવામાં આવી હતી. કોઈ વ્યક્તિ પીછો કરતી હોય અથવા અસુરક્ષિત અનુભવ થાય તો એકાંત સ્થળે જવાને બદલે લોકોની અવર જવર વાળા સુરક્ષિત સ્થળે પહોંચીને તાત્કાલિક મદદ મેળવવા અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ સિવાય ઘરેલું હિંસા, માનસિક કે શારીરિક હેરાનગતિ, છેડતી, ધમકી અથવા અન્ય મુશ્કેલ પરિસ્થિતિમાં માર્ગદર્શન અને સહાય મેળવવા માટે 181નો સંપર્ક કરી શકાય છે તે અંગે સમજ આપવામાં આવી હતી. જરૂરિયાત મુજબ મહિલાઓની પરિસ્થિતિ સાંભળી યોગ્ય માર્ગદર્શન આપવું અને પરિસ્થિતિ અનુસાર સંબંધિત તંત્રની મદદ મેળવવા માટે માર્ગદર્શન આપવું પણ હેલ્પલાઇનની કામગીરીનો મહત્વપૂર્ણ ભાગ છે.
યુવતી- મહિલાઓને 181 અભયમ મોબાઇલ એપ્લિકેશન વિશે માહિતી આપી
181 અભયમની ટીમ દ્વારા મહિલાઓને 181 અભયમ મોબાઇલ એપ્લિકેશન અને તેની ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી આપી, જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. મહિલાઓ ભયમુક્ત વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે અને જરૂરિયાતના સમયે યોગ્ય સહાય મેળવી શકે તે માટે 181 અભયમની ટીમ સતત પ્રયત્નશીલ છે. મહિલાઓને ખાસ અપીલ છે કે, નવરાત્રિ દરમિયાન કે અન્ય કોઈપણ સમયે છેડતી, હેરાનગતિ, ધમકી કે અસુરક્ષાનો અનુભવ થાય તો ચૂપ ન રહો. પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપો અને સહાય માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરો. તાત્કાલિક કટોકટીમાં 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરો. 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓની સુરક્ષા, સન્માન અને સહાય માટે હંમેશાં પ્રતિબદ્ધ છે.
