ગુજરાત એલર્ટ | વલસાડ
દક્ષિણ ગુજરાતનો વલસાડ અને નવસારી જિલ્લો દેશ વિદેશમાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત કેરી ઉત્પાદન માટે પ્રખ્યાત છે. આ વિસ્તારમાં થતી કેસર, હાફૂસ અને સોનપરી જાતોનું સ્થાનીય ખેડૂતોની આવકમાં પણ મહત્વનું યોગદાન છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને નવસારી જિલ્લામાં આશરે ૭૪ હજાર હેક્ટર વિસ્તારમાં કેરીની વિવિધ જાતોનું ઉત્પાદન થાય છે. પરંતુ ઓછી ઉત્પાદકતાને લીધે ખેડૂતોને આર્થિક વળતર મળતું નથી.
દક્ષિણ ગુજરાતમાં આંબાની ઓછી ઉત્પાદકતા માટે ગત વર્ષો દરમ્યાન હવામાનમાં થયેલા ફેરફાર, રોગ જીવાતોનું વધતો ઉપદ્રવ, ફૂલ અને ફલીનીકરણનાં સમય દરમ્યાન પ્રતિકૂળ વાતાવરણની પરિસ્થિતિ, વધારે ઉંમરની આંબાવાડીઓ અને વૈજ્ઞાનિક રીતે સારી અને સમયસર માવજતનું અભાવ મુખ્ય કારણો છે. ચોમાસા દરમિયાન વધુ વરસાદ અને વધુ ભેજ રહેતો હોવાથી ચોમાસા પછી કેરીના બગીચામાં પાણીનો નિકાલ, જમીન તથા મૂળ વિસ્તારનું પ્રબંધન, કેનોપી બંધન, પોષણ વ્યવસ્થાપન, રોગ-જીવાતનું સંકલિત નિયંત્રણ અને યોગ્ય ફલીનીકરણ માટે જરૂરી ઉપાયો ખૂબજ મહત્વપૂર્ણ છે. દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિમાં કેરીના ઉત્પાદન, ફૂલ અને ફળધારણ અને વધારે આર્થિક વળતર માટે ચોમાસા પછીનાં સમયે લીધેલા પગલા ખુબજ ઉપયોગી થાય છે.

નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયની અસ્પી બાગાયત મહાવિદ્યાલયમાં ફળ વિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક અને વડા ડૉ. ડી. કે. શર્મા જણાવે છે કે, ચોમાસા પછીની મુખ્ય સમસ્યા જોઈએ તો, દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પછી કેરીના બગીચામાં જમીનમાં વધુ ભેજ અને પાણી ભરાવું, મૂળ વિસ્તારમાં હવાની અછત, નીંદણની ઝડપી વૃદ્ધિ, ફૂગજન્ય રોગોની શક્યતા, થડ અને ડાળીઓમાં ડાઈબેક, ગુન્દરીઓ, નવી પીલવની ઉપર આવતી જીવાતો, પોષક તત્વોનું ધોવાણ, ફૂલ અને ફળધારણમાં અનિયમિતતા જેવી સમસ્યાઓ જોવા મળે છે; તેથી ચોમાસા પછી આંબાવાડીનું પ્રબંધન માત્ર ખાતર આપવાની કામગીરી નથી, પરંતુ જળ–જમીન–જાડનું ઘેરાવ (canopy) – પોષણ– રોગ જીવત– ફૂલ અને ફળધારણનું સંકલિત પેકેજ હોવું જોઈએ.
ચોમાસું પૂર્ણ થયા પછી બગીચામાં કરવાની થતી પ્રમુખ કામગીરી અંગે ડો. શર્મા વધુમાં જણાવે છે કે, (૧) પાણીના નિકાલનું વ્યવસ્થાપન: ચોમાસું પૂર્ણ થયા પછી સૌપ્રથમ બગીચામાં જળ નિકાસ માટે ઉચિત વ્યવસ્થા કરવી જોઈએ. ઝાડના થડ પાસે પાણી ભરાય નહીં અને જમીનમાં પૂરતી ભેજ હોય ત્યાં સુધી સિંચાઈ શરૂ ન કરવી. દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદને કારણે પાણી ભરાવું કેરીના મૂળ માટે નુકસાનકારક બની શકે છે. (૨) નીંદણ નિયંત્રણ: ચોમાસા પછી નીંદણ ઝડપથી વધે છે. ઝાડની છત્ર નીચેનું નીંદણ દૂર કરવું. થડથી આશરે 0.75–1.0 મીટર વિસ્તાર સ્વચ્છ રાખવો અને ડ્રીપ લાઈન વિસ્તારમાં હળવી ગોડાઈ કરવી, (૩) છટણી અને Canopy Management: ચોમાસા પછી બગીચાની મુલાકાત લઇ દરેક ઝાડનું નિરીક્ષણ કરી સૂકી ડાળીઓ, રોગગ્રસ્ત ડાળીઓ, તૂટેલી ડાળીઓ, એકબીજા સાથે ઘસાતી ડાળીઓ, અંદરની તરફ વધતી અનાવશ્યક ડાળીઓ તથા જમીન તરફ ખૂબ નીચી વધેલી ડાળીઓ છટણી કરીને દુર કરવી. છટણીનો મુખ્ય હેતુ પ્રકાશ અને હવાની અવરજવર સુધારવાનો હોવો જોઈએ. (૪) પોષણ વ્યવસ્થાપન: ચોમાસા દરમિયાન પોષક તત્વોનું ધોવાણ અને લીચિંગ થતું હોવાથી ચોમાસા પછી પોષણ વ્યવસ્થાપનનું વિશેષ મહત્વ છે. સૌપ્રથમ શક્ય હોય ત્યાં સુધી જમીન પૃથુક્કરણ કરાવવું. ત્યારબાદ મુખ્ય અને સુક્ષ્મ પોષક તત્વોની જરૂરિયાત નક્કી કરવી અથવા ભલામણ મુજબ પોષણ વ્યવસ્થાપન કરવું. સારી રીતે સડેલું છાણીયું ખાતર ઝાડનાં નીચે રીંગ બનાવીને આપવું. (૫) ફૂલ અને ફલનીકરણ પ્રબંધન: દક્ષિણ ગુજરાતમાં આંબામાં ફૂલ અને ફલાનીકરણનું નિયમન ખૂબજ મહત્વનું છે. 35 વર્ષથી વધુ ઉંમરના હાફુસ આંબામાં નિયમિત ફલનીકરણ માટે ઓગસ્ટનાં પ્રથમ પખવાડિયામાં કલ્ટારનો ઉપયોગ ભલામણ કરેલ ખાતરને દોડગુના જથ્થા સાથે કરવું. (૭) રોગ અને જીવાતનું સંકલિત વ્યવસ્થાપન: ચોમાસા પછી ભેજવાળું વાતાવરણ હોવાથી ભુકીછારો, ગુન્દરીઓ, ડાઈબેક અને અન્ય ફૂગજન્ય પાન/ડાળી રોગો માટે અને પ્રમુખ જીવતો જેમ કે મધીયા, થ્રીપ્સ મીલીબગ અને સ્ટેમ બોરર માટે મોજડી આધારિત સંકલિત વ્યવસ્થાપન તથા ઉચિત સમયે ભલામણ મુજબની દવાનું યોગ્ય પ્રમાણમાં છટકાવ કરવું. ફૂલ આવવાના સમયે જંતુનાશક દવાનો બિનજરૂરી ઉપયોગ ટાળવો, કારણ કે પરાગનયન કરતા મિત્ર કીટકો, ખાસ કરીને મધમાખીઓ માટે તેની અસર થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પછી કેરીના બગીચાની સફળ વ્યવસ્થાપન પદ્ધતિનો આધાર પાણીનો યોગ્ય નિકાસ, સંતુલિત પોષણ, સ્વચ્છ અને હવાઉજાસયુક્ત આંબાવાડી, રોગ જીવાત માટે નિયમિત મોજણી આધારિત વ્યવસ્થાપન અને યોગ્ય પિયત વ્યવસ્થાપન અપનાવવાથી કેરીનું સારું અને ગુણવત્તાસભર પાક મેળવી શકાય છે.
