સેવા સંકલ્પ અભિયાનઃ શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા અને સુશાસનના અવસરે નાનાપોંઢા ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા સાથે ભવ્ય સેવા જ્યોતિ યાત્રા નીકળી

ગુજરાત એલર્ટ | વલસાડ
તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સાંભળ્યા બાદ તા. ૨૬ મે, ૨૦૧૪ના રોજ તેમણે દેશના વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી હતી. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના ૨૫ વર્ષની સેવા, સુશાસન અને વિકસિત ભારત સંકલ્પની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતની સાથે વલસાડ જિલ્લામાં પણ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નવરચિત નાનાપોંઢા તાલુકામાં હેલિપેડ મેદાન ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા સાથે ભવ્ય સેવા જ્યોતિ યાત્રા નીકળી હતી, જેમાં જિલ્લાભરમાંથી માનવ મહેરામણ ઉમટયો હતો.

નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની નિઃસ્વાર્થ સેવા ગાથાની ઉજવણીના આ મહત્વપૂર્ણ અવસરે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાત અને દેશની જનતાએ આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ આપ્યા છે. વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રામાં અંતરિયાળ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી છે, એ વડાપ્રધાન પ્રત્યે લોકોનો પ્રેમ અને લાગણીના દર્શન કરાવે છે. આપણે સૌ સાથે મળી ૨૦૪૭ સુધીમાં આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવીશું એવો સંકલ્પ લઈ દેશના વિકાસમાં દરેક નાગરિક પોતાનું યોગદાન આપે એવી શુભેચ્છા પાઠવું છું.

કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી થી લઈને વડાપ્રધાન સુધીના ૨૫ વર્ષના સેવા કાર્યોને યાદ કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલા સ્ટોલ પર સરકારના વિવિધ ખાતાની સેવાનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે નાનાપોંઢા હેલિપેડ મેદાનથી સેવા જ્યોતિ યાત્રાની મશાલને પ્રજ્વલિત કરી પ્રસ્થાન કરાવી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ અને સર્વ ધારાસભ્યો જોડાયા હતા. સંગીતના તાલે નીકળેલી બે યાત્રા અલગ અલગ રૂટ થઇ બિરસા મુંડા સર્કલ પર પહોંચી હતી. જ્યાં મંત્રી સહિતના મહાનુભાવો એ બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી નમન કર્યા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને આ ઉજવણીને લોકોત્સવ બનાવી હતી.

આ ઉપરાંત વંદે માતરમનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન તેમજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવ્યું હતું. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી અનાજ-કઠોળ ક્રાંતિ અને રંગોળી સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ભારત @2047’ના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા.
સેવા, સુશાસન અને વિકસિત ભારતના સંકલ્પને જન-જન સુધી પહોંચાડતી આ યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, કપરાડાના માજી ધારાસભ્ય માધુભાઈ રાઉત, વાપી મનપાના મેયર દક્ષાબેન પટેલ, તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો, જિલ્લા સંગઠન પ્રભારી વિનયભાઈ શુક્લા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા તેમજ જિલ્લા સંગઠનના મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી સ્કૂલના શિક્ષક તારેશભાઈ સોનીએ કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!