ગુજરાત એલર્ટ | વલસાડ
‘વિકસિત ભારત @2047’ અંતર્ગત ‘મારા સપનાનું ભારત’ થીમ સાથે જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સર્વોદય હાઈસ્કૂલ, સેગવી ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી હેતલબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી મણિલાલભાઈ ગામીત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રીબેન ટંડેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી. બી. વસાવા, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી કેયૂરભાઈ, સેગવી ગામના સરપંચશ્રી મુકુંદભાઈ પટેલ તથા સેગવી વિભાગ કેળવણી મંડળના પ્રમુખશ્રી તન્વીબેન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ જિલ્લા શિક્ષણ નિરીક્ષકશ્રી બિપિનભાઈ પટેલ તથા મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રીબેન ટંડેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી. બી. વસાવા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સર્વોદય હાઈસ્કૂલ, સેગવીના આચાર્યાશ્રી ઉન્નતિ દેસાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી હેતલબેન પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને વિચારો દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા.
જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી તાલુકા કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કૃતિ અને વક્તૃત્વ રજૂ કર્યું હતું. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ ત્રણેય વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ‘મારા સપનાનું ભારત’ વિષય પર પોતાની કલ્પના અને સર્જનાત્મકતાને રંગો દ્વારા અભિવ્યક્ત કરી હતી, જ્યારે વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિકસિત ભારતના નિર્માણ અંગે પોતાના વિચારો, સંકલ્પો અને દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા.
સ્પર્ધામાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક એમ ત્રણેય વિભાગમાંથી પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
‘મારા સપનાનું ભારત’ની કલ્પનાને સાકાર કરતા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વિચારોમાં વિકસિત, આત્મનિર્ભર અને સશક્ત ભારતની ઝલક જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના, સર્જનાત્મકતા અને જવાબદાર નાગરિકત્વની ભાવનાને પ્રોત્સાહન આપનારો બની રહ્યો હતો.
