ગુજરાત એલર્ટ | વલસાડ
કપરાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દ્વારા KCGની RIEGGC – Extension Activity અંતર્ગત કપરાડાના દિનબારીની આંગણવાડી કેન્દ્ર ખાતે “પોષણ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન ઇન્ચાર્જ આચાર્ય મનોજકુમાર પી. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં પોષણના મહત્વ અંગે જાગૃતિ લાવવી, સ્વસ્થ આહાર અને સારી જીવનશૈલી અંગે બાળકોને પ્રેરિત કરવા તેમજ કૉલેજ અને સ્થાનિક સમાજ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ અભિયાન યોજાયું હતું.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના બાળકોએ કૉલેજના આચાર્યશ્રી, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓનું તિલક અને પુષ્પવર્ષા દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું. કાર્યક્રમનું સંચાલન IQAC કો-ઓર્ડિનેટર કેવલ એસ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોષણ અભિયાનના હેતુ અને કૉલેજ દ્વારા હાથ ધરાતી વિવિધ સામાજિક તથા Extension Activities અંગે માહિતી આપી હતી.
ઇન્ચાર્જ આચાર્ય મનોજકુમાર પી. પટેલે પ્રસંગોચિત ઉદ્બોધનમાં બાળકોને નાનપણથી જ સ્વચ્છતા, સારી ટેવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ આંગણવાડીના કુલ 99 બાળકો અને 20 જેટલી સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને કારણે નાના બાળકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમમાં કોલેજના 65 વિદ્યાર્થીઓ તથા 20 અધ્યાપકો મળી કુલ 85 સભ્યોની ઉપસ્થિતિ રહી હતી. પોષણ અભિયાનથી કૉલેજના વિદ્યાર્થીઓને બાળકો સાથે જોડાઈને સામાજિક સેવા કરવાની તક મળી અને તેમનામાં સામાજિક જવાબદારી, સેવા ભાવના તથા માનવતાના મૂલ્યો વિકસાવવામાં મદદ મળી હતી. સાથે જ વિદ્યાર્થીઓને આંગણવાડીની પ્રવૃત્તિઓ અને સમાજના વિવિધ વર્ગો સાથે કાર્ય કરવાની પ્રેરણા મળી હતી.
કાર્યક્રમના સફળ આયોજન બદલ ICDS કચેરી, કપરાડાના બાળ વિકાસ પ્રોગ્રામ અધિકારી, આંગણવાડીના કર્મચારીઓ, કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકારની Extension Activities દ્વારા કૉલેજની સમાજ પ્રત્યેની જવાબદારી અને સામાજિક સેવા માટેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની રહી છે.
