વલસાડ રંગ અવધૂત પરિવારે શ્રાધ્ધ પક્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજ્યા

ગુજરાત એલર્ટ | વલસાડ
ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજની કૃપાથી વલસાડ શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા છેલ્લા 49 વર્ષથી વિવિધ ભક્તિમય અને ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવતા આ વર્ષે પણ શ્રાધ્ધ પક્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ અને સ્મરણ ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. વલસાડના રંગભક્તોએ યુવા કથાકાર જયદેવભાઈ પાઠક તેમજ પોરના સંજયભાઈ ઉપાધ્યાયના કંઠે ભક્તિરસનું રસપાન કર્યું હતું. બંને કથાકારોએ ગુરુ મહારાજની અપ્રગટ લીલાઓ તેમજ વિવિધ પ્રસંગો અંગે સુંદર પ્રવચન અને કથાનું રસાળ નિરૂપણ કર્યું હતું.

આ ઉપરાંત નારેશ્વરના પ્રધાન પૂજારી તથા ભજનીક સુરેશભાઈ દેસાઈ દ્વારા અવધૂતી આનંદના ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. તેમના ભજનોના સૂરથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત ભક્તો ભક્તિના રંગે રંગાઈ ગયા હતા.
કાર્યક્રમના અંતિમ દિવસે ‘દિગમ્બરા દિગમ્બરા’ની 12 કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રંગભક્તોએ ભાગ લઈ શ્રવણ, કીર્તન અને સ્મરણ ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવપૂર્વક ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે નારેશ્વરના ટ્રસ્ટી વાસંતીબેન દેસાઈ, યોગેશભાઈ વ્યાસ સહિત અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર અને વડોદરા શ્રી રંગ અવધૂત પરિવારના ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરી આયોજકોની કામગીરીને બિરદાવી હતી.
સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે વલસાડ શ્રી રંગ અવધૂત પરિવારના તમામ સભ્યો તથા ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભક્તિમય માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમથી ઉપસ્થિત રંગભક્તોમાં આધ્યાત્મિક આનંદ અને ભક્તિભાવની અનુભૂતિ જોવા મળી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!