ધરમપુરમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ સશસ્ત્ર દળ સેવા સન્માન સમારોહ યોજાયો: દેશની સુરક્ષા માટે સૈનિકોનું યોગદાન કોઈ શબ્દોથી મૂલવી શકાય તેમ નથીઃ ધારાસભ્ય અરવિંદ પટેલ

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તેમજ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વીર જવાનોના સન્માનમાં સશસ્ત્ર દળ સેવા સન્માન સમારોહ -૨૦૨૬ કાર્યક્રમ આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે યોજાયો હતો. જેમાં ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પ્રાંત અધિકારી ધરમપુર ડૉ.રીતીકા આઈમા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોષી, માજી સૈનિક સેવા ફાઉન્ડેશન સંગઠન પ્રમુખ નવીનચંદ્ર પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ યોજાનાર સેવા સંકલ્પ અભિયાન અંતર્ગતના વિવિધ કાર્યક્રમો થકી આપણા દેશનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. સૈનિકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું કે, દેશની શાંતિ, સલામતી, પ્રગતિ અને વિકાસના પાયામાં આ દેશના સૈનિકોની શહાદત અને શૌર્ય રહેલું છે. સૈનિકોના દેશ માટેના આ યોગદાનના કારણે આજે દેશ સન્માન સાથે ટટ્ટાર ઊભો છે અને વિશ્વની મહાશક્તિ બનવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દેશની સુરક્ષા માટે ચટ્ટાન બની ઊભા રહેતા સૈનિકોના કારણે જ આ દેશમાં શાંતિ અને હળવાશ અનુભવી શકાય છે. સૈનિકોનું આ યોગદાન કોઈ શબ્દોથી મૂલવી શકાય તેમ નથી.

સૈનિકો માટેના આ ખાસ કાર્યક્રમને ધારાસભ્ય દ્વારા બિરદાવવામાં આવ્યો તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા જેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!