ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના નજીકના વિસ્તારમાંથી ૧૯ વર્ષીય યુવતી તથા તેના પિતા દ્વારા મહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧ પર મદદ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને સાથે પાર્ટ-ટાઈમ નોકરી પણ કરતી હોવાનું જાણવા મળ્યું હતું.
યુવતીના જણાવ્યા મુજબ, તે જ્યારે પગપાળા કોલેજ જવા નીકળતી ત્યારે એક અજાણ્યો વ્યક્તિ હેલ્મેટ પહેરી બાઈક પર આવતો અને તેનો પીછો કરતો હતો. આ વ્યક્તિ દરરોજ નહીં પરંતુ અઠવાડિયામાં ક્યારેક-ક્યારેક આવતો હોવાથી શરૂઆતમાં યુવતીએ આ બાબત પોતાના માતા-પિતાને જણાવી ન હતી. પરિવારને જાણ થશે તો તેનો અભ્યાસ બંધ કરાવી દેશે તેવા ભયના કારણે યુવતી આ બાબત અંગે ચૂપ રહી હતી.
આ પ્રકારની ઘટનાઓને કારણે યુવતીમાં ભય અને માનસિક તણાવ વધ્યો હતો અને તે કોલેજ જવા માટે પણ ગભરાવા લાગી હતી. બનાવના દિવસે યુવતી કોલેજ જવા નીકળેલી હતી ત્યારે રસ્તામાં બાઈક પર આવેલા અજાણ્યા વ્યક્તિએ બાઈક ઊભી રાખી યુવતીને બાઈક પર બેસી જવા જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં યુવતી ગભરાઈ ગઈ હતી અને તેણે પોલીસને જાણ કરવાની વાત કરતાં તે વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો હતો. યુવતીએ સાવચેતીરૂપે બાઈકનો ફોટો લઈ લીધો હતો. બાઈકચાલકે હેલ્મેટ પહેરેલું હોવાથી યુવતી તેનો ચહેરો જોઈ શકી ન હતી અને તેની ઓળખ અથવા રહેઠાણ અંગે પણ તેને કોઈ માહિતી ન હતી.
આ ઘટનાથી ભયભીત થયેલી યુવતીએ પોતાના પિતા સાથે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. અભયમ ૧૮૧ ટીમ દ્વારા યુવતીની પરિસ્થિતિ સમજી તેની સાથે જરૂરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. યુવતીને ભય અને માનસિક તણાવમાંથી બહાર આવવા માટે હિંમત તથા આત્મવિશ્વાસ જાળવવા અને મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવા અંગે સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અભયમ ટીમ દ્વારા યુવતીને પોલીસ ફરિયાદ કેવી રીતે કરવી, પોતાની સુરક્ષા માટે કયા પગલાં લેવા તથા કાયદા મુજબ મળતી મદદ અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી તેમજ આવી ઘટના ફરી બને તો પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપી તાત્કાલિક પરિવારજનો, પોલીસ અથવા અભયમ ૧૮૧નો સંપર્ક કરવા સમજાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ અભયમ ટીમ દ્વારા યુવતીના માતા-પિતા તથા પરિવારજનો સાથે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. યુવતીના પરિવારજનોએ તેને જરૂરી સહયોગ આપતાં પોલીસ સમક્ષ ફરિયાદ કરવા સંમતિ દર્શાવી હતી. યુવતી પાસે રહેલા બાઈકના ફોટાના આધારે નજીકના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી આગળની જરૂરી કાર્યવાહી માટે પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.
અભયમ ૧૮૧ ટીમ દ્વારા સમગ્ર ઘટનામાં યુવતીની સુરક્ષા અને માનસિક સ્થિતિને પ્રાથમિકતા આપી તેને જરૂરી કાઉન્સેલિંગ, સમજ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જે બદલ યુવતી તથા તેના પરિવારજનોએ અભયમ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
