ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્ય સરકાર અને આમપ્રજા વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવતા માહિતી વિભાગ દ્વારા પરંપરાગત પ્રચાર માધ્યમોના ઉપયોગ થકી સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને જનજાગૃતિના સંદેશાઓ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન ‘વ્યસનમુક્તિ અને સ્વચ્છતા અભિયાન’ની થીમ સાથે વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં લોકડાયરાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત વલસાડ તાલુકાના નવેરા ગામના દક્ષિણ ગુજરાત ગ્રામીણ વિકાસ એસોસીએશન તેમજ જિલ્લા માહિતી કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે નાનાપોંઢા અને બાલચોંઢી ગામે લોકડાયરાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં લોકસંગીત અને મનોરંજનની સાથે ગ્રામજનો સુધી વ્યસનમુક્તિ અને સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન મંડળના પ્રમુખ પુષ્પાબેન પટેલે પ્લેકાર્ડ સાથે સરળ લોકભાષામાં ઉપસ્થિત જનસમુદાયને વિવિધ પ્રકારના વ્યસનોથી વ્યક્તિના સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ પર થતી હાનિકારક અસરો અંગે સમજ આપી હતી. તેમણે યુવાનો સહિત સૌને વ્યસનોથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો. સાથે જ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામ અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા, કચરો અહીં-તહીં ન ફેંકવા તેમજ સ્વચ્છતા જાળવવામાં સૌની સહભાગિતા સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી હતી.
લોકડાયરાના મનોરંજન સાથે આપવામાં આવેલા સામાજિક સંદેશને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો. આમ, લોકકલાના માધ્યમથી ‘મનોરંજન સાથે જનજાગૃતિ’નો સંદેશ આપીને સ્વચ્છતા અને વ્યસનમુક્તિ પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. બન્ને ગામોમાં ગ્રામ અગ્રણીઓ સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો હતો.
