ગુજરાત એલર્ટ | વલસાડ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન હેઠળ ચાલી રહેલા “નશામુક્ત યુવા – વિકસિત ભારત” અભિયાન અંતર્ગત યુવાનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ, સ્વસ્થ જીવનશૈલી તેમજ નિવારક આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવાના હેતુસર “માય હેલ્થ માય પ્રાઇડ” કાર્યક્રમનું આયોજન વલસાડ માય ભારત દ્વારા વલસાડના તિથલ રોડ પર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ગર્લ્સ હોસ્ટેલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત હોસ્ટેલમાં નિવાસ કરતી ૨૦૦થી વધુ વિદ્યાર્થીનીઓનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય પરીક્ષણ GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, વલસાડ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, વલસાડના સહયોગથી તબીબી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીનીઓનું BMI (Body Mass Index), રક્ત પરીક્ષણ (Blood Test) સહિત વિવિધ મૂળભૂત આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા તેમજ આરોગ્ય, પોષણ, નિયમિત આરોગ્ય તપાસ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે RMO વ્રજલાલ, જિલ્લા યુવા અધિકારી (DYO) આયુષ ચૌધરી તથા ATDO દેવાંગી ભટ્ટી અને હિમાંગી કંસારા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન અને તબીબી સેવાઓ માટે ડૉ. ભાવેશ ગોયાણી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, વલસાડના માર્ગદર્શન હેઠળ તબીબી ટીમ દ્વારા જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

શારીરિક આરોગ્યની સાથે માનસિક આરોગ્યને પણ મહત્વ આપતાં ડૉ. ભારવી, મનોચિકિત્સક, સિવિલ હોસ્પિટલ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે જાગૃતિ અને માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનસિક આરોગ્ય, તણાવ વ્યવસ્થાપન તેમજ જરૂરિયાતના સમયે નિષ્ણાત તબીબી સહાય મેળવવા અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું આયોજન MY Bharat સ્વયંસેવકો દ્વારા જિલ્લા યુવા અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, વલસાડ, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, વલસાડ, તબીબી ટીમ તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકર ગર્લ્સ હોસ્ટેલના વહીવટીતંત્રનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.
