નાનાપોંઢામાં આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો, બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરાયું: ૬ માસથી ૩ વર્ષના બાળકની માતાને મહાનુભાવોના હસ્તે ટેક હોમ રાશન વિતરણ કરવામાં આવ્યું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના આંગણવાડી કેન્દ્ર નાનાપોંઢા-૩ અને નાનાપોંઢા-૪ ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ અને પોષણ જાગૃતિ અને જનભાગીદારી વધે તે હેતુથી તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આઈસીડીએસ કપરાડા ઘટક-2 ના નાનાપોંઢા-4 આંગણવાડી કેન્દ્ર ખાતે મુખ્ય મહેમાન વલસાડ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ તેમજ યુવા પ્રવૃતિ સમિતિના અધ્યક્ષ દક્ષાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સગર્ભા, કિશોરી અને ૬ માસથી ૩ વર્ષના બાળકની માતાને મહાનુભાવોના હસ્તે ટેક હોમ રાશન વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણની સ્થિતિમાં સુધારા થયેલા બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

મહિલા અને બાળ વિકાસ સમિતિ અધ્યક્ષ દ્વારા બાળકોની સ્વછતા, બાળકોને કેન્દ્ર પર આપવામાં આવતા નાસ્તા તેમજ ટેક હોમ રાશનના યોગ્ય ઉપયોગ વિશે લાભાર્થી વાલીઓ સાથે ચર્ચા કરી હતી. આંગણવાડી કેન્દ્ર ખાતે આપવામાં આવેલી પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટનું પ્રદર્શન મુકવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા કાર્યકર બહેનને તેઓની કામગીરી બદલ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે લાભાર્થી તેમજ વાલીઓ સાથે કિશોરી દ્વારા મુખ્યમંત્રીના શુભેચ્છા સંદેશનું વાંચન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ઓફિસર, આઈસીડીએસ વલસાડના નેતૃત્વ હેઠળ અને બાળ વિકાસ યોજના અધિકારી કપરાડા ઘટક-2 ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

તાલુકા મહિલા મોરચાના મંત્રીશ્રી, APMCના ચેરમેનશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, સરપંચશ્રી, વસુધારા ડેરીના ડાયરેક્ટરશ્રી, તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!