ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાતના કાનૂની ક્ષેત્રમાં વલસાડનું નામ વધુ એક વખત ગુંજ્યું છે. વલસાડના જાણીતા ધારાશાસ્ત્રી અને નોટરી પી.ડી. પટેલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. અમદાવાદ ખાતે તા. 19 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. આ બેઠકમાં પી.ડી. પટેલને ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
પી.ડી. પટેલની આ વરણી સાથે વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વકીલ આલમમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમની લાંબી કાનૂની કારકિર્દી દરમિયાન વકીલોના પ્રશ્નો અને હિતોને લઈને તેઓ સતત સક્રિય રહ્યા છે. ખેડૂત પરિવારથી શરૂ થયેલી તેમની સંઘર્ષમય સફર વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખપદથી લઈને હવે ગુજરાતની સમગ્ર વકીલ આલમની પ્રતિનિધિ સંસ્થા ગણાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનપદ સુધી પહોંચી છે.
તાજેતરમાં યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પણ પી.ડી. પટેલે નોંધપાત્ર સફળતા મેળવી હતી. રાજ્યભરમાંથી આશરે 99 ઉમેદવારો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં તેઓ ફર્સ્ટ પ્રેફરન્સના મતના આધારે ત્રીજા ક્રમે ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે તેઓ બીજી વખત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય તરીકે ચૂંટાયા છે. અગાઉ વર્ષ 2018માં પણ તેઓ બાર કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા અને ત્યારબાદ વાઇસ ચેરમેન સહિત વિવિધ મહત્વપૂર્ણ સમિતિઓમાં ચેરમેન તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે.
પી.ડી. પટેલ છેલ્લા આશરે 24 વર્ષથી વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ઉપરાંત તેઓ નોટરી એસોસિયેશન ઓફ ગુજરાતના પ્રમુખ તરીકે પણ બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે. કાનૂની ક્ષેત્રમાં વિવિધ જવાબદારીઓ સંભાળ્યા બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે તેમની પસંદગીથી તેમની કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે.
તા. 19 સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના અન્ય હોદ્દેદારોની પણ પસંદગી કરવામાં આવી હતી. જેમાં નિમિષાબેન ધોત્રા વાઇસ ચેરમેન અને અનિરુદ્ધસિંહ ઝાલા એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે પસંદ થયા હતા.
પી.ડી. પટેલ ચેરમેન બન્યાના સમાચાર બાદ વલસાડ અને દક્ષિણ ગુજરાતના વકીલો તથા તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ સ્થળોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. વકીલ આલમ તેમજ તેમના શુભેચ્છકોએ પી.ડી. પટેલને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ચેરમેન તરીકે પસંદગી બાદ પી.ડી. પટેલે ગુજરાતના તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વકીલો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વકીલોના પ્રશ્નો પ્રત્યે જાગૃત અને સક્રિય રહી, બાર કાઉન્સિલના માધ્યમથી વકીલોના હિત અને કલ્યાણ માટે સતત કાર્યરત રહેવાની ખાતરી વ્યક્ત કરી હતી.
વલસાડના વકીલ નેતૃત્વને રાજ્યસ્તરે મળેલી આ મહત્વપૂર્ણ જવાબદારીથી વલસાડના કાનૂની ક્ષેત્રમાં ગૌરવની લાગણી વ્યાપી છે.
