ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના જાણીતા નોટરી એડવોકેટ રાકેશભાઈ બી. પટેલને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેમની કાયદાકીય તથા સામાજિક ક્ષેત્રે લાંબા સમયથી રહેલી કામગીરીને ધ્યાનમાં રાખીને મળેલી આ જવાબદારીને વલસાડના વકીલ આલમમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાકેશભાઈ પટેલે વર્ષ 2000માં વકીલાતના વ્યવસાયની શરૂઆત કરી હતી. વર્ષ 2008માં તેમણે નોટરી તરીકેની જવાબદારી સંભાળી હતી. વકીલોના હિત સાથે જોડાયેલી સંસ્થાકીય કામગીરીમાં પણ તેઓ સક્રિય રહ્યા છે. વર્ષ 2010માં તેઓ વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળમાં સહમંત્રી તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2020થી તેઓ વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.
કાયદાકીય ક્ષેત્ર ઉપરાંત રાકેશભાઈ પટેલ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ સક્રિય છે. શ્રી જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ, ફલધરામાં તેઓ મંત્રી તરીકે કાર્યરત છે, જ્યારે ફલધરા કેળવણી મંડળમાં કમિટી મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. ધોડિયા સમાજના નાના વણઝારીયા કુળ પરિવારમાં તેઓ માજી પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.
રાજકીય ક્ષેત્રે તેઓ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી તરીકે કાર્યરત છે. તેમના પત્ની કૌશિકાબેન ફલધરા બેઠક પરથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
લાંબા સમયથી વકીલાત, વકીલ સંગઠન, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય રહેલા રાકેશભાઈ પટેલને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ મેમ્બર તરીકે મળેલી નવી જવાબદારીને પગલે તેમના શુભેચ્છકો, વકીલમિત્રો તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
