ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની સર્વોદય હાઈસ્કૂલ સેગવી ખાતે વિકસિત ભારત ૨૦૪૭ અંતર્ગત “મારા સપનાનું ભારત” વિષય પર ચિત્ર સ્પર્ધા, ચિત્ર પ્રદર્શન અને વકતૃત્વ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલાત્મક અને વૈચારિક ક્ષમતા રજૂ કરી હતી.

કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે સેગવી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ તથા જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ તન્વીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને બિરદાવી હતી જણાવ્યું કે, ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણમાં વિદ્યાર્થીઓનો ફાળો મહત્વનો રહેશે.

આ પ્રસંગે શાળાના આચાર્યા ઉન્નતિ દેસાઈએ ઉપસ્થિત તમામ અતિથિઓનું સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, શાળાના જાગૃત વાલીમંડળના સભ્યો અને ઉત્સાહી વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

ચિત્ર સ્પર્ધામાં શાળાના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંક ક્રિસ્ટી ટંડેલ (ધો. 10), દ્વિતીય ક્રમાંક અંશ પટેલ (ધો. 11 વિજ્ઞાન પ્રવાહ), તૃતીય ક્રમાંક પંથી પટેલ (ધો. 10) જ્યારે વકતૃત્વ સ્પર્ધામાં શાળાના ૬૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાના પ્રભાવશાળી વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે ખુશી પટેલ (ધો. 10) અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંપ્રથમ ક્રમે હીર પટેલ (ધો. 12 સામાન્ય પ્રવાહ) વિજેતા થઈ હતી. શાળા પરિવાર, શિક્ષકગણ, મંડળના સભ્યો, વાલીમંડળ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા આચાર્યા ઉન્નતિ દેસાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
