વલસાડના આર્ય ધોકિયાએ કુડો સ્ટેટ ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું

ગુજરાત એલર્ટ | વલસાડ
સુરત ખાતે યોજાયેલી 14મી ઓપન ગુજરાત સ્ટેટ કુડો ટુર્નામેન્ટ 2026-27માં વલસાડ જિલ્લાના પ્રતિભાશાળી કુડો ખેલાડી આર્ય સુનિલ ધોકિયાએ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ સ્થાનમાં 2 ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તા. 6 સપ્ટેમ્બર, 2026ના રોજ આ રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. GJ Kudo Sports Association (GKA) દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં વલસાડ જિલ્લાના આર્ય સુનિલ ધોકિયાએ U-13 વર્ષ બોયઝના -42 કિલો વજન વર્ગમાં ભાગ લીધો હતો. આર્યએ સ્પર્ધામાં આત્મવિશ્વાસ અને ઉત્કૃષ્ટ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી પોતાના પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિ બદલ તેમને આયોજકો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

નાની ઉંમરે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવવું આર્યની રમત પ્રત્યેની મહેનત, સતત પ્રેક્ટિસ અને લગનનું પરિણામ છે. તેમની આ સફળતાથી વલસાડ જિલ્લાના રમતપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આર્ય સુનિલ ધોકિયાની આ સિદ્ધિ બદલ તેમના પરિવારજનો, કોચ, મિત્રો તથા રમતપ્રેમીઓએ અભિનંદન પાઠવીને આગામી સ્પર્ધાઓમાં પણ વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યકક્ષાની આ સિદ્ધિથી આર્યએ વલસાડનું નામ કુડો રમતક્ષેત્રે વધુ ઉજ્જવળ કર્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!