વલસાડ જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે વિવિધ યોજના અંગે માગર્દર્શન આપતો કાર્યક્રમ યોજાયો: શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડ, અંત્યેષ્ઠિ સહાય યોજના અને ગુજરાત જુથ અકસ્માત વીમા યોજના અંગે માહિતગાર કરાયા

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડ બનાવવાની તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓની જન જાગૃતિના પ્રચાર પ્રસાર અર્થે તા.૧૦/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૧૧.0૦ કલાકે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર હોલ, માછીવાડ, ઉમરસાડી, તા. પારડી, જિ. વલસાડ ખાતે સરકારની વિવિધ યોજના અંગે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સરકારી શ્રમ અધિકારી શ્રી એન.બી. પરમાર, મદદનીશ સરકારી શ્રમ અધિકારી સુશ્રી એમ.એ. પટેલ અને શ્રી કે.આર. અલગોતર તથા કેંદ્ર સંચાલકશ્રી આર.કે. પટેલ, હાજર રહ્યા હતા. જેઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અસંગઠિત શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડના લાભો તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓ જેવી કે, અંત્યેષ્ઠિ સહાય યોજના અને ગુજરાત જુથ(જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ મહત્તમ લોકો લાભ લે તે માટે તેઓને માહિતગાર કર્યા હતા. આ યોજનાકીય લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવાની પણ જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઇ-શ્રમ કાર્ડની નોંધણી કરાવવા અંગેના પેમ્પ્લેટ તથા બોર્ડની યોજનાઓને લગતા પેમ્પ્લેટ હાજર રહેલા દરેક અસંગઠિત શ્રમયોગીઓને વિતરણ કરવામાં આવ્યા હતાં. વધુમાં તેઓને જણાવવામાં આવ્યું હતું કે, જે કોઈપણ અસંગઠિત શ્રમયોગી આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓએ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, વલસાડ તથા તાલુકાની મદદનીશ સરકારી શ્રમ અધિકારીની કચેરી અને ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળના કેન્દ્ર સંચાલકશ્રીઓ, CSC સેન્ટર કે VLE ની કક્ષાએથી તે અંગે જરૂરી માહિતી મેળવી શકે છે. અને સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે તે અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતાં.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!