ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં ઉમરગામ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન: વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનને જનઆંદોલન બનાવવા અને આસપાસ સ્વચ્છતા જાળવવા નાગરિકોને અપીલ.

ગુજરાત એલર્ટ | વલસાડ
ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોમાં સ્વચ્છતા અંગે વધુ જાગૃતિ આવે તે હેતુથી ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સંદેશ સાથે સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ નં. 6ના ગાંધીવાડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી.

આ પ્રસંગે ઉમરગામ શહેરના અગ્રણી મયંકભાઈ પ્રેસવાલા, નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, પ્રભારી પરેશભાઈ, ઉપપ્રમુખ યોગેશભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન સમીરભાઈ કંસારા, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ હોદ્દેદારો, કોર્પોરેટરો, પોલીસ જવાનો અને જાગૃત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું કે વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરી સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાની પહેલ કરી હતી. આજે 12 વર્ષ બાદ આ અભિયાનના પરિણામે લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધી છે અને તેના કારણે આરોગ્ય ક્ષેત્રે પણ સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.
તેમણે દરેક નાગરિકને પોતાના ઘર, ફળિયા અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા તેમજ સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવવા અપીલ કરી હતી.
ધારાસભ્ય રમણભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં પણ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ફણસા અને માંડા બાદ આગામી રવિવારે ખતલવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!