ધરમપુરમાં યુવા શક્તિ, સંસ્કાર, નેતૃત્વ અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે યુવા સંમેલન યોજાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે “યુવા સંમેલન” નું આયોજન તા. ૧ સપ્ટેમ્બરના રોજ વ્યાસતીર્થ, કુંભારવાડ, ધરમપુર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નવયુવાનો ઉપસ્થિત રહી વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સંમેલન દરમિયાન યુવાનો માટે વિવિધ શારીરિક કાર્યક્રમો, બૌદ્ધિક સત્ર તથા સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શારીરિક કાર્યક્રમો દ્વારા શિસ્ત, એકતા અને સંગઠનભાવનો પરિચય કરાવવામાં આવ્યો હતો, જ્યારે બૌદ્ધિક સત્રમાં રાષ્ટ્ર, સમાજ, સંસ્કાર, યુવા શક્તિ અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય વક્તા વિભાગ ગૌસેવા પ્રમુખ રાજેશભાઈ પટેલ દ્વારા યુવાનોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય, વિચારધારા, સંગઠન પદ્ધતિ અને સમાજજીવનમાં સંઘની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંવાદ સત્ર દરમિયાન યુવાનોને પોતાના પ્રશ્નો અને વિચારો રજૂ કરવાની તક મળી હતી. આ સમગ્ર કાર્યક્રમના માધ્યમથી અનેક નવયુવાનોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય અને તેની વિવિધ પ્રવૃત્તિઓનો પ્રત્યક્ષ પરિચય થયો હતો. યુવાનોમાં રાષ્ટ્રભાવના, સામાજિક જવાબદારી, સંગઠનશક્તિ અને સેવાભાવ જાગૃત થાય તેમજ તેઓ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવે તેવા સંકલ્પ સાથે યોજાયેલા આ યુવા સંમેલનને યુવાનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. “યુવા જાગશે… રાષ્ટ્ર આગળ વધશે” ના સંદેશ સાથે યોજાયેલા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ યુવા શક્તિને સંગઠિત કરી સંસ્કાર અને રાષ્ટ્રસેવાના માર્ગે આગળ વધારવાનો રહ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!