ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડના સંયુક્ત ઉપક્રમે તા. 01 અને 02 સપ્ટેમ્બર, 2026 દરમિયાન વલસાડ જિલ્લાના વિજ્ઞાન શિક્ષકો માટે “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને ઇન્સ્પાયર એવોર્ડ અભિમુખતા કાર્યશાળા 2026-27” અંગે બે દિવસીય માર્ગદર્શન કાર્યશાળાનું આયોજન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષકો અને બીજા દિવસે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિજ્ઞાન શિક્ષકોએ કાર્યશાળામાં ભાગ લીધો હતો.
કાર્યશાળા દરમિયાન જિલ્લા વિજ્ઞાન અધિકારી શ્રી પ્રજ્ઞેશ ડી. રાઠોડ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને ઇન્સ્પાયર એવોર્ડ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને તેમની આસપાસની સમસ્યાઓનું અવલોકન કરી તેના વૈજ્ઞાનિક અને નવીન ઉકેલો શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં શિક્ષકોની ભૂમિકા સમજાવી હતી. તેમજ વિદ્યાર્થીઓના વિચારોને પ્રોજેક્ટના સ્વરૂપમાં વિકસાવવા, યોગ્ય વિષયની પસંદગી કરવા તથા વૈજ્ઞાનિક કૃતિઓના નિર્માણ અને પ્રસ્તુતીકરણ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. તેમણે નિર્ણાયકો દ્વારા ગુણાંકન કઈ રીતે કરવામાં આવે છે, ગુણાંકનના માપદંડો તેમજ કઈ બાબતોમાં કાળજી રાખવી તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ડૉ. ભદ્રેશ આર. સુદાણી, આસિસ્ટન્ટ પ્રોફેસર, GEC, વલસાડ દ્વારા ઇન્સ્પાયર એવોર્ડ યોજના અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંગે માહિતીપ્રદ સત્ર યોજવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓમાં રહેલી નવીન પ્રતિભાને ઓળખી તેને યોગ્ય દિશામાં વિકસાવવામાં શિક્ષકોની ભૂમિકા અંગે સમજાવ્યું હતું. તેમણે સમસ્યાનું મૂળ કારણ જાણવા માટે પાંચ વખત “Why?” પૂછવાની જાપાનીઝ પદ્ધતિ અંગે સમજાવ્યું હતું, જેથી સમસ્યાના નિવારણ માટે યોગ્ય ઉપાયો શોધી શકાય.

કાર્યશાળાનું વર્ગસંચાલન શ્રી પંકજકુમાર એમ. દેસાઈ, સિનિયર લેક્ચરર, DIET, વલસાડ અને ડૉ. દર્શના ડી. પટેલ, લેક્ચરર, DIET, વલસાડ દ્વારા કરવામાં આવ્યું હતું.
બે દિવસીય આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના વિષયો, વિદ્યાર્થીઓ દ્વારા વૈજ્ઞાનિક કૃતિ તથા મોડેલના નિર્માણ, પ્રોજેક્ટની રજૂઆત તેમજ ઇન્સ્પાયર એવોર્ડ યોજના અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યશાળા દરમિયાન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુખ્ય થીમ “ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવાચાર” અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બે દિવસીય કાર્યશાળામાં કુલ 75 વિજ્ઞાન શિક્ષકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, શિક્ષકોને વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM) અને નેશનલ સાયન્સ સેમિનાર અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
