વલસાડના સેન્ટર ઓફ એક્સલેન્સ ચણવઈ ખાતે વિશ્વ નાળિયેરી દિવસની ઉજવણી: ખેડૂતોને આંબા – ચીકુના બદલે નાળિયેરીની ખેતી તરફ વાળવા માટે અનુરોધ કરાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
વિશ્વ નાળિયેરી દિવસની ઉજવણી નિમિત્તે વલસાડના બાગાયત વિભાગ, નાળિયેર વિકાસ બોર્ડ, જૂનાગઢ, અખિલ ભારતીય સમન્વિત સંશોધન યોજના (નાળિયેરી), અસ્પી બાગાયત મહાવિદ્યાલય અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વલસાડ તાલુકાના ચણવઈ ગામમાં સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો ખાતે નાળિયેરી દિવસ ઉજવણી અવસરે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. આર.એમ.નાયકના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

‘‘અનિશ્ચિતતાના સમયમાં નાળિયેરીઃ ખોરાક, ઊર્જા અને આજીવિકાની સુરક્ષા’’ની ટેગ લાઈન સાથે યોજાયેલા આ ખેડૂત તાલીમ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી કુલપતિશ્રી ડો. આર.એમ.નાયકે ખેડૂતોને સંબોધી જણાવ્યું કે, પહેલાના સમયમાં ખેતરની હદ નક્કી કરવા માટે નાળિયેરી રોપતા હતા ત્યારથી લઈને આજે ગુજરાતમાં ૩૦ હજાર હેકટર સુધી નાળિયેરીની ખેતી પહોંચી છે જેને વધારીને આગામી દિવસોમાં ૫૦ હજાર હેકટર સુધી લઈ જવાની છે.

નાળિયેર જ એક એવુ ફળ છે જે મનુષ્યના જન્મથી લઈને મરણ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. હવે નાળિયેરીને સોફ્ટ ડ્રિંક સહિતના વિવિધ બિઝનેસ રૂપે જોવાઈ રહી છે જેથી ખેડૂતોએ હવે આ દિશા તરફ પણ આગળ વધવાની જરૂર છે. જો કે કેટલાક ખેડૂતો હવે આંબા અને ચીકુની વચ્ચે નાળિયેરી રોપવાની શરૂઆત કરી છે. નાળિયેરીનું આયુષ્ય લાંબુ હોવાથી પેઢી દર પેઢી સુધી ચિંતા રહેતી નથી. વધુમાં તેમણે ખેડૂતોને વિશ્વાસ અપાવતા કહ્યું કે, વલસાડની સુપ્રસિધ્ધ હાફૂસ કેરીને જીઆઈ ટેગ મળે તે માટે જે પણ મુશ્કેલી આવી રહી છે તેને અમે ઉકેલી રહ્યા છે. ખેડૂતોને ખાતરી આપુ છું કે, આપણે હાફૂસ કેરી માટે જીઆઈ ટેગ મેળવીને જ જંપીશુ.

નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ.આર. શર્માએ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ખૂબ જ લાંબો દરિયા કિનારો છે ત્યારે નાળિયેરીની ખેતીની પુરેપુરી સંભાવના છે. સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ ખેતીનો વ્યાપ વધારવો જોઈએ અને વેલ્યુ એડિશન સાથે આગળ વધવુ જોઈએ.
નવસારી કૃષિ યુનિ.ની અસ્પી બાગાયત મહાવિદ્યાલયના આર્ચાય અને ડીનશ્રી ડો. અલકા સિંઘે જણાવ્યુ કે, ખેડૂતો થકી ધરતી ખુશહાલ છે. આપણા પૂર્વજોને નાળિયેરીની અહેમિયત ખબર હતી. એટલે જ તેને શ્રીફળ કહેવામાં આવે છે બાકી ફળનો રાજા તરીકે કેરીને ઓળખવામાં આવે છે.
વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રી એન.એન.પટેલે જણાવ્યું કે, માત્ર આંબા-ચીકુ અને શાકભાજીની ખેતીથી જ વિકાસ થાય છે તે માનસિકતા બદલવાની જરૂર છે. ખેડૂતો નાળિયેરીની ખેતીથી આર્થિક રીતે સમૃધ્ધ બનશે. વલસાડ જિલ્લામાં હાલમાં ૩૨૯૪ હેકટર વાવેતર છે જેમાં નવુ વાવેતર માત્ર ૫૦૦ હેકટર જ છે તેને ૫૦૦૦ સુધીના લેવર પર લઈ જવાનું છે. નાળેયીરની ખેતીથી સોનામાં સુગંધ ભળશે અને વડાપ્રધાનશ્રીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સપનુ પણ સાકાર થશે.
આ પ્રસંગે ખેડૂતોને નાળિયેરીની ખેતી વિશે તજજ્ઞો દ્વારા માહિતી આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જૂનાગઢ નાળિયર વિકાસ બોર્ડના ડેપ્યુટી ડાયરેકટરશ્રી કુમારવેલ એસ એ કર્યુ હતું. જ્યારે આભારવિધિ આસિ. ડાયકેટર ઓફ બાગાયત વિભાગના જિજ્ઞેશ પટેલે કરી હતી. મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!