ગુજરાત એલર્ટ | વલસાડ
ઉમરગામ તાલુકાના નગવાસ ગામ અને હરમોસજી પાડા-ઝરોલીના ખેલાડીઓએ સંયુક્ત રીતે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટનું સ્પોન્સર દીપક ચોપડિયાએ કર્યુ હતુ. આ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન ખેલાડીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ફૂટબોલની રોમાંચક મેચોનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સરીગામના સમાજસેવી શ્રી રાકેશ રાય તથા જિલ્લા પંચાયતની વલવાડા બેઠકના સભ્ય શ્રીમતી રેશ્મા પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ટુર્નામેન્ટમાં બ્લેક ટાઇગર ચેમ્પિયન ટીમ વિજેતા બની હતી, જ્યારે ધોડી એફ.સી. ની ટીમે રનર્સ-અપનું સ્થાન મેળવ્યું હતું. વિજેતા તથા રનર્સ-અપ ટીમના ખેલાડીઓને મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આયોજકો દ્વારા ખેલાડીઓ તેમજ ઉપસ્થિત લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આખો દિવસ આનંદ અને ઉલ્લાસના માહોલમાં યોજાયેલા આ ટુર્નામેન્ટથી યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો હતો.
