ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં આવેલા બાલચોંઢી ગામમાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વના શુભ દિવસે રૂ. ૨.૪૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલી અદ્યતન સુવિધાસભર સરકારી પ્રાથમિક શાળાનું રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન જે. પટેલ અને કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ લોકાર્પણ સમારોહ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, આ શાળાને આજે ૧૦૯ વર્ષ થયા છે. ૧૦૯ વર્ષ પહેલા જે વડીલોને શિક્ષણની જ્યોત પ્રગટાવવાનો વિચાર આવ્યો હશે તેમને હું નમન કરુ છું. વર્ષ ૧૯૫૬માં પારસી સજ્જને રૂ. ૫૦૧ શાળા માટે દાન કર્યુ હોવાનું સ્થાનિક આગેવાને મંત્રીશ્રીને જણાવતા મંત્રીશ્રી પારસી દાતાની સખાવતને બિરદાવી જણાવ્યું કે, તે સમયે સરકારી ગ્રાંટ મળતી ન હતી, લોકો પાસે ફંડ ફાળો ઉઘરાવી શાળા શરુ કરાતી હતી.

આજે સરકારે આ એક શાળાના નિર્માણ માટે રૂ. ૧ કરોડ ૬૩ લાખ અને કંપાઉન્ડ વોલ સહિત અન્ય સુવિધા માટે રૂ. ૮૦ લાખ ફાળવ્યા હતા, આમ કુલ રૂ. બે કરોડ ૪૩ લાખ રૂપિયા ફાળવવા એ નાનીસુની વાત નથી. બાળકો દેશનું ભવિષ્ય છે અને પ્રાથમિક શાળામાંથી તેઓને શિક્ષણ પણ મળે છે અને કેળવણી પણ મળે છે. રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી અદ્યતન સુવિધા વાળી શાળા બનાવતા હવે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે અને ખાનગી શાળામાંથી મોટી સંખ્યામાં બાળકો હવે ફરી સરકારી શાળામાં પરત ફરી રહ્યા છે, જે સરકારી શાળા પ્રત્યે વાલીઓનો વિશ્વાસ બતાવે છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સરકાર શિક્ષણ પાછળ ખૂબ જ ધ્યાન આપી ખર્ચ કરી નાનામાં નાની સુવિધા આપી રહી છે ત્યારે મારે વિદ્યાર્થીઓને એટલુ જ કહેવાનું છે કે, મન લગાવીને ભણજો, કોઈ આડા રસ્તે ન જતા, પોતાની ઉજ્જવળ કારર્કિદી બનાવજો. આ સાથે વાલીઓએ પણ બાળકોના ભણતર પર ધ્યાન આપી મહિનામાં એક વાર શાળામાં આવી જે તે વિષયના શિક્ષકોને મળી પોતાના બાળકના અભ્યાસ અંગે માહિતી મેળવવી જોઈએ.

તો શિક્ષકો સાથે આત્મીયતા પણ વધશે. શાળા મેનેજમેન્ટ કમિટીના સભ્યોએ પણ મહિનામાં એક વાર શાળામાં આવી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની શું જરૂરીયાત છે તે વિશે માહિતી મેળવી પ્રયાસ કરવા જોઈએ. કોઈપણ બાળકના ભવિષ્યને બગાડવાનો કોઈને અધિકાર નથી. તમે આટલુ કરશો તો કોઈપણ બાળક ક્યારેય ખાનગી શાળામાં જશે નહી. સરકારી શાળામાં બાળકોની સંખ્યા વધી રહી છે એટલે કે, હવે ક્વોન્ટિટી (સંખ્યા) આપણી પાસે છે પરંતુ હવે આપણે ક્વોલિટી (ગુણવત્તા) ઉપર ભાર મુકવાનો છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન જે. પટેલ અને કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
શાળાના આચાર્ય મિતેષભાઈ પટેલે શાળાની માહિતી આપતા જણાવ્યું કે, હાલ શાળામાં બાલવાટીકાથી લઈને ધો. ૮ સુધીના કુલ ૨૬૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેઓ માટે ૯ વર્ગ, કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, રમત ગમતનું મેદાન, મધ્યાહન ભોજન શેડ, બાગ બગીચા સહિતની સુવિધા ઉપલબ્ધ છે. ૧૦ પૂરતા શિક્ષકો પણ શાળામાં ફરજ બજાવી રહ્યા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મણીલાલ ગાવિત, જિ.પં.ની મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી દક્ષાબેન ચૌધરી, નાનાપોંઢા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મનિષાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી જયેશ ગરાસિયા, ગામના સરપંચશ્રી રાજેશ પટેલ, સંગઠન મહામંત્રીશ્રી વિપુલ ભોયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાથીઓ ઉપસ્થિત રહ્યા હતા.
