ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની દેશપ્રેમ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે ઉત્સાહ અને ઉમંગભેર જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ દેશની આન,બાન અને શાન સમાન તિરંગો ફરકાવી માનભેર સલામી આપી હતી. મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સલામી આપી હતી.

મંત્રીશ્રીએ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના ૧૪૬ કરોડ દેશવાસીઓને વલસાડ જિલ્લાની પવિત્ર ધરતી ઉપરથી ૮૦ માં સ્વતંત્રતા દિનની શુભકામનાઓ પાઠવી હતી. દેશની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને મંત્રીશ્રીએ યાદ કરી શત-શત નમન કરતા જણાવ્યું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતની યુવા પેઢીના ઉજજવળ ભવિષ્યના નિર્માણની બાબતમાં સતત પ્રયત્નશીલ છે. તેનું શ્રેષ્તમ ઉદાહરણ પેપર લીકના દૂષણને નાથવા, વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત પરીક્ષા પ્રણાલી ઉભી કરવાની સરકારની દ્રઢ ઈચ્છાશક્તિના કારણે એન્ટી-પેપર લીક બિલ મંજૂર કરવામાં આવ્યુ છે. આજ રીતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત તેજ ગતિએ વિકાસની ક્ષિતિજો આંબી રહ્યું છે. ૨૦૩૦ ની કોમનવેલ્થ ગેમ્સની યજમાનીના ગૌરવ સાથે ગુજરાત આજે આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.

સમૃદ્ધ ગુજરાતના મૂળિયાં ગામડાઓમાં રહેલા છે એવુ જણાવી મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, શહેરોની સાથે ગ્રામોત્થાન અને ગામડાઓનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. આ માટે નરેન્દ્રભાઈએ શહેરી સુવિધા ધરાવતા પંચાયત ઘરો, દૂધ મંડળીઓ, સહકારી મંડળીઓ ગામડાઓમાં જીવંત કરવાની સાથે આરોગ્યલક્ષી સેવાઓ પણ શહેરી કક્ષાએ પૂરી પાડી છે. “ગામડાઓને પણ સુવિધા બધી જ શહેર જેવી’’ ના મંત્ર સાથે ગ્રામ્ય વિકાસ કર્યો છે, કારણ કે તેઓ માને છે કે, વિકસિત ભારત માટે આપણે ગામડાઓનો વિકાસ કરવો એ મૂળભૂત બાબત છે. આપણી ભાષા અલગ હશે, આપણો પહેરવેશ અલગ હશે, આપણો પ્રાંત અલગ હશે, આપણું રાજ્ય અલગ હશે, પણ રાષ્ટ્ર એક છે. અને રાષ્ટ્ર એક હશે તો જ આ રાષ્ટ્રનો વિકાસ થશે. અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું એ આપણી જવાબદારી છે.

ગામડાના વિકાસનો આધાર ખેતીવાડી પર નિર્ભર હોવાથી મંત્રીશ્રીએ ખેડૂતોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ખેડૂતોના કલ્યાણ માટે વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં કૃષિ વિભાગ માટે વિક્રમી રૂ. ૨૪,૦૦૦ કરોડથી પણ વધારેની જોગવાઈ કરવામાં આવી છે. કિસાન સન્માન નિધિ હેઠળ વલસાડ જિલ્લામાં ૧૯૪૬૩૪ ખેડૂતોને રૂ. ૨૦૦૦ મુજબ ૫૪૯ કરોડ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

પરિવહન સેવા પર ગુજરાત સરકારે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, વલસાડથી લઈને સાબરકાંઠા સુધીના જે આદિવાસી જિલ્લાઓ છે, એ જિલ્લાઓને વિદ્યાર્થીઓની સેવામાં ૧૩૯ બસો આપવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ, કપરાડા અને ધરમપુર જેવી બોર્ડર લાઈનના ગામોને પણ એનો ખૂબ વધુ લાભ મળી રહ્યો છે.

શિક્ષણ ઉપર ભાર મુકતા મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં આદિવાસી વિસ્તારના જે બોર્ડર ઉપરના ગામો છે, એ ગામોના બાળકો શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમુદાયના ઉત્થાન માટે આદિજાતિ વિકાસ વિભાગ અનેકવિધ ક્ષેત્રોમાં કામગીરી કરી રહ્યો છે.

જેમાં આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શ્રેષ્ઠ સુવિધાઓ આપવાની સરકારની કટિબદ્ધતા મુખ્ય રહી છે. આજે આદિજાતિ વિકાસ વિભાગ માટે માત્ર શાળાઓ ઊભી કરવી એ લક્ષ્ય નથી, આદિવાસી બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ સુવિધા અને શ્રેષ્ઠ તક આપીને તેને રાજ્યના મુખ્ય પ્રવાહમાં આગળ વધારવાનો અમારો ધ્યેય છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, નાનાપોંઢા જેવા આદિવાસી તથા અંતરિયાળ વિસ્તારોમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી એ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ વિકાસની યાત્રાનો એક સંદેશ છે. વલસાડ જિલ્લો એક તરફ કુદરતી સમૃદ્ધિ અને આદિવાસી સંસ્કૃતિ માટે ઓળખાય છે, તો બીજી તરફ ઔદ્યોગિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. વાપી, પારડી, ગુંદલાવ, સરીગામ, ઉમરગામ અને ભિલાડ જેવા વિસ્તારો જિલ્લાના ઔદ્યોગિક એન્જિન તરીકે કાર્યરત છે. જિલ્લામાં ૫૫,૦૦૦ થી વધુ નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે, જેના દ્વારા ૪.૫ લાખ થી વધુ લોકોને સીધી રોજગારી મળી રહી છે. વાપી GIDC વિશ્વભરમાં કેમિકલ હબ તરીકે આગવી ઓળખ ધરાવે છે. આ ઉપરાંત ટેક્સટાઇલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ વલસાડ આગળ વધી રહ્યું છે. તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ ‘વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ’ દરમિયાન વલસાડ જિલ્લા માટે ₹૨,૦૫૬.૮૩ કરોડના ૧૨૭ જેટલા MoU થયા છે. આ રોકાણથી આગામી સમયમાં સ્થાનિક યુવાનો માટે સ્વ-રોજગાર અને કૌશલ્ય વિકાસની નવી તકો ઊભી થશે.


તાજેતરમાં જુલાઈ માસમાં વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, પુરથી અનેક પરિવારોને નુકસાન થયું હતું. રાજ્ય સરકાર અને વહીવટી તંત્રે અસરગ્રસ્ત પરિવારોની પડખે મજબૂતાઈથી ઊભા રહીને કામગીરી કરી છે. ઝડપી સર્વે કરી ટૂંકા સમયમાં ૪૭,૦૦૦ થી વધુ અસરગ્રસ્ત પરિવારોને ₹૨૮ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

બચાવ અને રાહત કામગીરીમાં વહીવટી તંત્રની સાથે સેવાભાવી સંસ્થાઓ, સામાજિક સંગઠનો, યુવા મંડળો, સ્વયંસેવકો અને પોલીસ કર્મચારીઓએ રાત-દિવસ મહેનત કરી છે. પુરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, આશ્રય, ભોજન, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને જીવનજરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવી હતી.

ગુજરાતની વિકાસગાથા જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા આપણા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ મક્કમગતિથી આગળ વધી રહી છે. રાજ્ય સરકાર તમામ ક્ષેત્રે અને તમામ જિલ્લાઓમાં સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવીને સુવિધા અને યોજનાઓનો લાભ મળે તે માટે કટિબદ્ધ છે. વલસાડ જિલ્લામાં રસ્તાઓ, પુલો, મકાનો અને પંચાયત ક્ષેત્રના વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

૧૫ મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મંત્રીશ્રી દ્વારા વલસાડ જિલ્લાના વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં નીચાણવાળા વિસ્તારમાં ફસાઈ ગયેલા લોકોને બચાવવા માટે તેમજ સ્થળાંતર કરવા માટે જીવનું જોખમ ખેડનાર પોલીસ અધિકારી-જવાનો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તલાટીઓ, સેવાની મહેક પ્રસરાવનાર સંસ્થાઓ તેમજ પુર અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય મળે તે માટે સર્વે કામગીરી પૂર્ણ કરનાર કર્મીઓ, રમતગમત ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર ખેલાડીઓ અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ જેવા ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરનાર કુલ ૬૫ પ્રતિભાઓનું પ્રમાણપત્ર અને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મંત્રીશ્રીએ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકી અને સંગઠનના આગેવાનો તેમજ અધિકારી-પદાધિકારી અને નાનાપોંઢાના નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી શાળાના શિક્ષકોશ્રી તારેશ સોની અને અવની પટેલે કર્યુ હતું.
