ગુજરાત એલર્ટ | વલસાડ
80મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી પૂર્વે વલસાડ શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ યાત્રાને વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી નીતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચપલોત સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓએ કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

સવારે 9 વાગ્યે કલેક્ટર કચેરીથી પ્રસ્થાન થયેલી આશરે 2.5 કિ.મી. લાંબી તિરંગા યાત્રા સર્કિટ હાઉસ, આઝાદ ચોક અને સ્ટેડિયમ રોડ થઈ મોંઘાભાઈ હોલ ખાતે પહોંચી હતી, જ્યાં યાત્રાનું સમાપન થયું હતું. શાળાના વિદ્યાર્થીઓ ભારત માતા, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાપુરુષોની વેશભૂષામાં તિરંગા યાત્રામાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી અધિકારીઓ, બાઈકસવાર પોલીસ જવાનો તેમજ વિવિધ સમુદાયના સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશભક્તિના ગીતો સાથે નીકળેલી આ ભવ્ય યાત્રાથી સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. વિદ્યાર્થીઓએ ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના ગગનભેદી નારા લગાવી દેશપ્રેમના દર્શન કરાવ્યા હતા.

આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે તિરંગા યાત્રાનું મહત્વ સમજાવતાં દેશની આઝાદીની લડતમાં શહીદ થયેલા જવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કર્યા હતા.
ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રેમની ભાવના દરેક નાગરિકમાં જાગૃત થાય અને દેશની આઝાદીની લડતમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગનું મૂલ્ય આજની નવી પેઢી સમજે તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે યાત્રાનું આયોજન કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી નમન કર્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્રી નીતિન સાંગવાને સૌ નાગરિકોને આવતીકાલે, તા. 13 ઓગસ્ટે વાપી ખાતે યોજાનારી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ તિરંગા યાત્રામાં વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ, પાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી હિતેશ ભંડારી, પ્રદેશ સંગઠન મંત્રી શ્રીમતી સોનલબેન સોલંકી, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી હેમંત કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી નિખિલ ચોકસી અને શ્રી કમલેશ પટેલ, વલસાડ પ્રાંત અધિકારી શ્રી વિમલ પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
