ગુજરાત એલર્ટ | વલસાડ
જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાના ભૂલકાઓને હવે શિક્ષણ, પોષણ અને સંભાળ માટે વધુ સુરક્ષિત અને સુવિધાયુક્ત વાતાવરણ મળશે. નવેરા, કચીગામ અને પંચલાઈ ખાતે અતુલ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ અતુલ કંપનીના જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતુલ ફાઉન્ડેશનના અધિકારીઓ, ગામના સરપંચો, આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકો, વાલીઓ, ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી ગૌતમભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આંગણવાડી માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ, પોષણ અને આરોગ્યના પાયાના નિર્માણનું મહત્વપૂર્ણ સ્થળ છે. નવા કેન્દ્રોમાં બાળકોને અનુકૂળ વાતાવરણ સાથે જરૂરી પાયાની સુવિધાઓ ઉપરાંત અભ્યાસ અને રમતગમત માટેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આંગણવાડીના નવા અને સુવિધાયુક્ત મકાનના કારણે ગામના નાના બાળકોને હવે વધુ સારું, સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણ મળશે. બાળપણના શરૂઆતના વર્ષોમાં મળતી આવી સુવિધાઓ તેમના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
નવનિર્મિત આંગણવાડીઓની ભેટ બદલ ગામના સરપંચો, આંગણવાડી કાર્યકર બહેનો, આગેવાનો અને ગ્રામજનોએ અતુલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ આંગણવાડી કેન્દ્રોની યોગ્ય જાળવણી કરી તેનો મહત્તમ લાભ બાળકોને મળે અને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સૌ સાથે મળીને યોગદાન આપે તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
