ગુજરાત એલર્ટ | વલસાડ
ખજુરડી ગામના વતની તથા વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય સ્નેહલકુમાર દિલીપભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલી ભેંસધરા આશ્રમશાળાના વિદ્યાર્થીઓ સાથે સેવાભાવી રીતે કરવામાં આવી હતી.
સ્નેહલભાઈ અને એમની દીકરી નવ્યા દ્વારા છેલ્લા છ મહિનાથી વિચારવામાં આવ્યું હતું કે જન્મદિવસની ઉજવણી એવી જગ્યાએ કરવામાં આવે, જ્યાં બાળકોના ચહેરા પર ખુશી આવે અને તેમના ઉત્સાહ તથા પ્રોત્સાહનમાં વધારો થાય. આ ભાવનાને સાકાર કરતાં આશ્રમશાળાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સ્નેહલભાઈ પટેલ દ્વારા 340 વિદ્યાર્થીઓ માટે આસનની ભેટ સાથે , કેક તથા રમતગમત અને યોગ શિબિર માટે ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી, અંતે આદિવાસી નૃત્ય અને ગરબાની રમઝટ
સાથે કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવ્યો હતો.

પ્રસંગે સ્નેહલભાઈ પટેલના પરિવારજનો અને મિત્રમંડળ સાથે ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તથા તેમનો પરિવાર, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ તેજશભાઈ પટેલ, વલસાડ જિલ્લા યુવા મોરચા પ્રમુખ પ્રભાકરભાઈ અને મહામંત્રી કેવિનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આમ, ‘સેવા હી સંગઠન’ની ભાવના સાથે બાળકોના ચહેરા પર સ્મિત અને તેમના ઉત્સાહમાં વધારો કરવાના ઉદ્દેશથી સ્નેહલભાઈ પટેલનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો હતો.
