ગુજરાત એલર્ટ | ખેરગામ
તાજેતરમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા ખેરગામ તાલુકાના વાડ, પાટી, બહેજ, કાકડવેરી સહિતના અંતરિયાળ ગામોના પરિવારો તેમજ વાવ ગામના આદિમ જનજાતિ જૂથ (PVTG)ના પરિવારો અને અન્ય આદિજાતિ કુટુંબોને માનવતાભરી સહાયરૂપે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકાર્ય નવસારીના દાતા પ્રેમચંદભાઈ લાલવાણી તેમજ રામરોટી પરિવારના સૌજન્યથી યોજાયું હતું. કુદરતી આફતના સમયમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી જીવનજરૂરી સામગ્રી પહોંચાડવાના આ પ્રયાસને સ્થાનિક લોકોએ આવકાર્યો હતો.

આ સેવા યજ્ઞ દરમિયાન મામલતદાર વી.સી. પટેલ, નાયબ મામલતદાર એન એસ વોરા, સેવાભાવી સ્વયંસેવક મૌલિકભાઈ અમલાની,પુષ્પાબેન,ભાવિનભાઈ તેમજ અનિશભાઈ તથા તેમની ટીમની ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને સુવ્યવસ્થિત રીતે અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે મામલતદાર વી.સી. પટેલે જણાવ્યું હતું કે, કુદરતી આફતના સમયમાં સમાજ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા મળતો સહયોગ જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદ સમાન છે.

આવા સેવાકીય કાર્યો સમાજમાં સહકાર અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

અંતે દાતાશ્રીઓ, સેવાભાવી કાર્યકરો અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
