ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં તાજેતરમાં આવેલા ભારે પૂર અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ માળખાને નુકસાન થતાં તેમજ પાણી ભરાવાના કારણે સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. પૂરના પાણી ઓસરતા જ વહીવટીતંત્ર અને વીજ કંપની દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં અંધારપટ દૂર કરી વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.
આ વિકટ પરિસ્થિતિમાં જિલ્લાના કુલ ૧૦૨ ફીડર, ૨૨૩ ગામો, ૫,૪૩૧ ટ્રાન્સફોર્મર સેન્ટર તથા ૨,૪૯,૬૪૭ જેટલા વીજ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા. તંત્રની અથાક અને સતત મહેનતના પરિણામે અત્યાર સુધીમાં આ તમામ ૧૦૨ ફીડર, ૨૨૩ ગામો, ૫,૪૩૧ ટ્રાન્સફોર્મર સેન્ટર અને તમામ ૨,૪૯,૬૪૭ વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. આમ છતાં, અન્ય કોઈ છૂટાછવાયા કે બાકી રહેલા અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો હોય, તો તેને પણ વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે વિભાગ દ્વારા સઘન કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સત્વરે વીજળી મળી રહે અને જનજીવન ઝડપથી સામાન્ય બને તે સુનિશ્ચિત કરવા માટે હાલ કુલ ૧૩૫ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમોમાં કુલ ૧,૧૬૩ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ રાત-દિવસ જોયા વિના સતત કાર્યરત રહીને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની ભગીરથ કામગીરી કરી રહ્યા છે. તંત્રની આ ત્વરિત કામગીરીથી જિલ્લાના નાગરિકોએ રાહત અનુભવી છે.
