ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં તા. ૦૧/૦૭/૨૬ થી તા.૦૭/૦૭/૨૦૨૬ ના રોજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર દ્વારા સ્પીપાના સંકલનમાં YAMS (યુવા આપદા મિત્ર સ્કીમ) હેઠળ NSS અને MYB (માય યુવા ભારત)ના ૮૪ વિદ્યાર્થીઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી.

આ વિદ્યાર્થીઓ દ્વારા હાલમાં જ્યારે વલસાડ જિલ્લામાં પુરની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે રિયલ હીરો તરીકે ધરમપુરના નીચાણવાળા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર(NSS) ના વિદ્યાર્થીઓએ સફાઈ માટે સૌને પ્રેરિત કર્યા હતા.

આ યુવાઓએ NSS નું ધ્યેય વાક્ય “Not Me, But You” (હું નહીં, પરંતુ આપ) ને સાર્થક કરી બતાવ્યું છે. જ્યારે આપણા જ વિસ્તારના લોકો મુશ્કેલીમાં હોય, ત્યારે માનવતાની સેવા કરવી એ આપણા સૌની પ્રાથમિક ફરજ બની રહે છે.

આપણા એક નાનકડા પ્રયાસથી કોઈના ચહેરા પર સ્મિત અને આશા આવી શકે છે તેવા હેતુથી પૂરની પરિસ્થિતિમાં આપદા મિત્રો દ્વારા સફાઈની કામગીરી હાલ કરવામાં આવી રહી છે.
