ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીર નગર, બરૂડીયાવાડ અને છીપવાડ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભાગડાખુર્દ (હનુમાનભાગડા), ભાગડાવડા અને લીલાપોર સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે આ વિસ્તારોમાં કચરો ફેલાયો હતો. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારના લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા આરોગ્ય વિષયક કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે પીવાના પાણીનું ક્લોરીનેશન કરવાની ડોર ટુ ડોર કામગીરી હાથ ધરવામાં આવી છે.
