વલસાડ જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા: નાનાપોંઢાના અંભેટીમાં પાણીના પ્રવાહમાં ફસાયેલી નાસિકની ખાનગી બસને ત્વરિત બહાર કાઢવામાં મળી સફળતા

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં અવિરત અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રની સર્તકતા અને ઝડપી કામગીરીને પગલે બુધવારે સવારે પાણીમાં પ્રવાહમાં ફસાયેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ત્વરિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ખાનગી બસમાં ૧૬ જેટલા મુસાફરો હતા જેઓએ પ્રશાસનની ત્વરિત કામગીરીને બિરદાવી હતી.

વલસાડ પુર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામમાં કોપરલી વાપી મુખ્ય રસ્તા ઉપર ઔરંગા પાર નદી પાસે બુધવારે સવારે ૭-૪૫ કલાકે નાસિકની એક ખાનગી બસ નં. ડીએલ-૦૧-બી-૧૬૦૮ વાપી તરફ જઈ રહી હતી ત્યારે પાણીના પ્રવાહમાં ફસાઈ હતી, જે અંગેનો મેસેજ નાનાપોંઢાના મામલતદારશ્રીને મળતા તેમણે સ્થાનિક પોલીસને તાત્કાલિક રવાના કરી હતી. પોલીસ અને ગામના યુવાનોએ સાથે મળીને ટ્રક સાથે દોરડા બાંધી ખાનગી ટ્રાવેલ્સની બસને સહી સલામત બહાર કાઢી હતી. બસ પાણીના પ્રવાહમાંથી બહાર નીકળતા બસમાં સવાર ૧૬ મુસાફરોએ રાહત અનુભવી હતી.

આ બસમાં ૧૬ મુસાફરોમાં ૬ મહિલા, ૭ પુરૂષ અને ૩ બાળકનો સમાવેશ થાય છે.
ત્યારબાદ રોડની બંને તરફ બેરીકેટ ગોઠવી રસ્તો વાહન વ્યવહારની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

હાલ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર જિલ્લા પર નજર રાખવામાં આવી રહી છે. જાહેર જનતાને પણ સાવચેત રહેવા અને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓ પર ધ્યાન આપવા અપીલ કરવામાં આવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!