ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ‘‘બેટી બચાવો, બેટી પઢાવો’’ યોજના અંતર્ગત અંબે માતા GIDC માધ્યમિક શાળા, બાલચોંઢી, તા. નાનાપોંઢા ખાતે સાયબર સેફ્ટી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી ડી. કે. ત્રિપાઠી, પી.એસ.આઈ., સાયબર ક્રાઈમ સેલ, વલસાડ તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓ, ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ, OTP અને પાસવર્ડની સુરક્ષા તેમજ ડિજિટલ સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જિજ્ઞેશ પટેલ, જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર (DHEW), જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, વલસાડ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. નાનાપોંઢા પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા પોક્સો અધિનિયમ (POCSO Act), ગુડ ટચ–બેડ ટચ, બાળલગ્ન પ્રતિબંધ, બાળ સુરક્ષા, મહિલા સુરક્ષા તેમજ બાળકો અને મહિલાઓ વિરુદ્ધ થતા વિવિધ ગુનાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને જાગૃતિ આપવામાં આવી હતી. પીબીએસસી કાઉન્સેલર શ્રીમતી સ્નેહલબેન દ્વારા સેન્ટરની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલશ્રી, શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા, બાળ અધિકારો અને કાયદાકીય જાગૃતિ વધારી સુરક્ષિત, જવાબદાર અને જાગૃત સમાજના નિર્માણમાં તેમનો સહભાગ સુનિશ્ચિત કરવાનો હતો.
