ગુજરાત એલર્ટ | વલસાડ
‘‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા…’’ આ પંક્તિ માત્ર ગીત નથી, પરંતુ દરેક ભારતીયના હૃદયમાં વસેલી રાષ્ટ્રભક્તિની લાગણીનું પ્રતિબિંબ છે. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ – તિરંગો – દેશની સ્વતંત્રતા, એકતા, અખંડિતતા, લોકશાહી અને કરોડો ભારતીયોના સ્વાભિમાનનું પ્રતીક છે. દર વર્ષે ૨૨ જુલાઈએ “રાષ્ટ્રીય ધ્વજ સ્વીકૃતિ દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસે તા. ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ ભારતની બંધારણ સભાએ વર્તમાન તિરંગાને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકાર્યો હતો. ત્યારબાદ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશની આઝાદી સાથે લાલ કિલ્લા પર તિરંગો ગૌરવપૂર્વક ફરક્યો અને વિશ્વ સમક્ષ નવા ભારતની ઓળખ બન્યો હતો.
આજના આ ગૌરવવંતા દિવસે સ્વાતંત્ર્ય સંગ્રામથી રાષ્ટ્રીય ધ્વજ સુધીની સફર પર નજર કરીએ તો, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રીય ધ્વજ એક શક્તિશાળી પ્રેરણાસ્ત્રોત રહ્યો હતો. વિવિધ સમયગાળામાં અલગ-અલગ સ્વરૂપના ધ્વજો પ્રચલિત રહ્યા હતા. વર્ષ ૧૯૨૧માં આંધ્ર પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની પિંગળી વેંકૈયાએ એક ધ્વજની રચના રજૂ કરી, જેને મહાત્મા ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓએ મહત્વ આપ્યું હતું. વર્ષ ૧૯૩૧માં તિરંગાના એક સ્વરૂપને સ્વીકારવામાં આવ્યું, જે આજના રાષ્ટ્રીય ધ્વજનો આધાર બન્યું હતું. અંતે તા. ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણ સભાએ વર્તમાન તિરંગાને સત્તાવાર સ્વીકૃતિ આપી હતી. અગાઉના ધ્વજમાં રહેલા ચરખાના સ્થાને સારનાથના અશોક સ્તંભ પરથી પ્રેરિત ૨૪ આરાવાળું અશોક ચક્ર સમાવાયું હતું.
તિરંગો માત્ર ધ્વજ નથી, તે ભારતના બંધારણમાં સમાવિષ્ટ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે ત્યારે તે દરેક નાગરિકને પોતાના કર્તવ્યો યાદ અપાવે છે. Flag Code of India, 2002 દ્વારા રાષ્ટ્રીય ધ્વજના પ્રદર્શન અને ઉપયોગ અંગેના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સમયાંતરે તેમાં સુધારા પણ કરવામાં આવ્યા છે. દરેક નાગરિકને તિરંગાનું સન્માન જાળવવાની જવાબદારી છે. રાષ્ટ્રીય ધ્વજને ક્યારેય જમીન પર પડવા દેવો નહીં, ક્ષતિગ્રસ્ત ધ્વજનો ઉપયોગ ન કરવો અને તેનો ઉપયોગ એવી રીતે ન કરવો કે જેના કારણે તેના ગૌરવને ઠેસ પહોંચે.
રાષ્ટ્રીય ધ્વજનું ગૌરવ જાળવવું એ માત્ર કાનૂની જવાબદારી નથી, પરંતુ દેશપ્રેમની અભિવ્યક્તિ પણ છે. તિરંગા પ્રત્યેનો આદર આપણને દેશના વિકાસ, એકતા અને લોકશાહી મૂલ્યો પ્રત્યે વધુ પ્રતિબદ્ધ બનાવે છે. તિરંગો માત્ર ત્રણ રંગોનું કાપડ નથી, તે ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, લોકશાહી મૂલ્યો, ૧૪૦ કરોડથી વધુ ભારતીયોની આશા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત પ્રતીક છે. આવો, રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરીને વિકસિત ભારતના નિર્માણમાં આપણી જવાબદારી નિભાવીએ.
તિરંગાના રંગો શું કહે છે?
રાષ્ટ્રીય ધ્વજનો દરેક રંગ એક મૂલ્યનો સંદેશ આપે છે.
– કેસરી – શૌર્ય, ત્યાગ, હિંમત અને નિઃસ્વાર્થ સેવા.
– સફેદ – સત્ય, શાંતિ, પારદર્શિતા અને સદભાવ.
– લીલો – પ્રકૃતિ, કૃષિ, સમૃદ્ધિ અને વિકાસ.
– અશોક ચક્ર – ૨૪ આરાવાળું ધર્મચક્ર સતત ગતિ, ન્યાય, કર્તવ્ય અને પ્રગતિનું પ્રતીક છે. તે સંદેશ આપે છે કે, રાષ્ટ્ર સતત આગળ વધતું રહે.
હર ઘર તિરંગા : જનભાગીદારીનું અભિયાન
વર્ષ ૨૦૨૨માં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું ગૌરવ સમાન “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કરાવ્યું હતું. જેના દ્વારા દેશભરમાં લાખો નહીં પરંતુ કરોડો પરિવારો રાષ્ટ્રીય ધ્વજ સાથે જોડાયા હતા. વલસાડમાં પણ અનેક લોકોએ ખાદી ભંડારમાંથી આન, બાન અને શાન સમાન તિરંગો ખરીદી દેશનું ગૌરવ વધાર્યુ હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક ભારતીયના ઘરમાં તિરંગો પહોંચે અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બને તે હતો. આ અભિયાનને ગ્રામ્ય વિસ્તારોથી લઈને મહાનગરો સુધી વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો.
વિશ્વમંચ પર તિરંગાની શાન
એવરેસ્ટના શિખર પર ભારતનો તિરંગો લહેરાય, ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડી વિજય મેળવે, ભારતીય વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં સફળતા પ્રાપ્ત કરે અથવા આપણા સૈનિકો સરહદ પર દેશની સુરક્ષા કરે. દરેક ક્ષણે તિરંગો ભારતીયોની એકતા અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે.
સમયરેખા
૧૯૦૬ – કોલકાતામાં પ્રારંભિક ભારતીય ધ્વજનું પ્રદર્શન.
૧૯૦૭ – મેડમ ભીખાજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટમાં ભારતીય ધ્વજ ફરકાવ્યો.
૧૯૨૧ – પિંગળી વેંકૈયાએ ધ્વજની મૂળ રચના રજૂ કરી.
૧૯૩૧ – તિરંગાના પૂર્વ સ્વરૂપને માન્યતા મળી.
૨૨ જુલાઈ, ૧૯૪૭ – બંધારણ સભાએ વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ સ્વીકાર્યો.
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ – સ્વતંત્ર ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરક્યો.
૨૦૦૨ – Flag Code of India અમલમાં આવ્યો.
૨૦૨૨ – હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત.
