ગુજરાત એલર્ટ | વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી અને સશક્ત નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા ૧૨ વર્ષોમાં વિકાસના અનેક નવા આયામો સર કર્યા છે. કેન્દ્ર સરકારના આ સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી નિમિત્તે ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત વલસાડ-ડાંગના સાંસદશ્રી અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલે વલસાડ તાલુકાના ઐતિહાસિક પારનેરા ડુંગર અને તિથલ બીચની મુલાકાત લઈ વિકાસના કામોનું નિરિક્ષણ કરી વલસાડના અગ્રગણ્ય લોકોના ઘરે પણ મુલાકાત લઈ કેન્દ્ર સરકારના સફળ નેતૃત્વ અંગે ચર્ચા કરી હતી.

વલસાડના પારનેરા ડુંગરની તળેટી ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સાંસદશ્રી ધવલભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન જે. પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ પગથિયા પાસે શ્રીફળ વધેરી માતાજીને ચૂંદડી ચઢાવી હતી. આ વેળા સાંસદશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના પથ પર તેજગતિથી દોડી રહ્યો છે.

વડાપ્રધાનશ્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે હતા ત્યારથી જ તેમણે ગુજરાતમાં વિકાસની રાજનીતિ શરૂ કરી હતી. તમે 30 વર્ષ પહેલાના વલસાડને વિચારો અને અત્યારના વિકાસશીલ વલસાડને જુઓ તો વિકાસ દેખાય છે.

પહેલાના પારનેરા ડુંગર અને અત્યારના પારનેરા ડુંગર પર સરકારની ગ્રાંટમાંથી પ્રવાસીઓ માટે અનેકવિધ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આજે પારનેરા ડુંગર પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. સૌના સાથ અને સહકારથી વિકાસના કાર્યો થઈ રહ્યા છે.

પારનેરા બાદ સાંજે સાંસદશ્રીએ તિથલ બીચ પર થઈ રહેલા વિકાસના કાર્યોનું નિરિક્ષણ કરી સાંસદશ્રીએ તિથલ બીચને પણ દમણના બીચની જેમ મોર્ડન અને એડવાન્સ બીચ બનાવવામાં આવશે એવી ખાતરી આપી હતી.

આ સાથે જ પ્રગતિ પથ યાત્રાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, તમામ નાગરિકો, લોકપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગો વિકાસની પ્રક્રિયામાં જોડાય તે માટે સરકારના વિવિધ વિભાગોના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પ્રોજેક્ટો, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી પ્રવૃત્તિઓ અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલોના પ્રદર્શન તથા જનજાગૃતિ માટે આ ‘પ્રગતિપથ યાત્રા’નું આયોજન કરાયુ છે.

તિથલ ગામના સરપંચશ્રી રાકેશ પટેલે સરકારશ્રીની વિવિધ ગ્રાંટ અને સાંસદશ્રી ધવલભાઈ પટેલના પ્રયાસો દ્વારા થયેલા વિકાસના કામોની રૂપરેખા આપી હતી. જેમાં તેમણે તિથલના સમુદ્ર કાંઠાનું ધોવાણ અટકાવવા માટે બનાવાયેલી પ્રોટેકશન વોલ, હાઈમસ્ટ લાઈટ, લાઈટ, કેમેરા અને સાઉન્ડ સાથેની પવનચક્કી અને સહેલાણીઓની બેઠકમાં બાંકડાની સુવિધાનો ઉલ્લેખ કર્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન જે.પટેલે સૌ સાથે મળીને વલસાડ જિલ્લાનો સુંદર વિકાસ કરી રહ્યા છે તે અંગે સરાહના કરી અધિકારીઓની મહેનતને પણ બિરદાવી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી એ બીચ પર વોક કરી પ્રવાસીઓ સાથે પણ મુલાકાત કરી આત્મીય સંવાદ કર્યો હતો. સાંસદશ્રીની મુલાકાત વેળા વલસાડ તાલકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય જય ત્રિવેદી, પારનેરા ગામના સરપંચ ભરતભાઈ પટેલ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સરંક્ષકશ્રી રોહિત ચૌધરી અને ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષકશ્રી લોકેશ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.વી.ડાંગી, વલસાડ તાલુકા વિકાસ અધિકારી કેતન સોલંકી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી નીખિલ ચોક્સી, વલસાડ તાલુકા સંગઠન પ્રભારી શિલ્પેશ દેસાઈ, પ્રદેશ સંગઠન યુવા મોર્ચાના કોષાધ્યક્ષશ્રી ધ્રુવિન પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ તેજસ પટેલ, પારનેરા ડુંગર માતાજી મંદિરના ટ્રસ્ટીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
