ધરમપુરના પીપરોળ ગામના હિલ સ્ટેશનથી આદિવાસી સમાજ દ્વારા એક કરોડ વૃક્ષ ઉછેરવાના મહા અભિયાનનો પ્રારંભ

ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુરના અંતરીયાળ વિસ્તારના પીપરોળ ગામના હિલ સ્ટેશનથી રાજ્યના ૧૪ જિલ્લામાં ૦૧ કરોડ આદિવાસી વ્યક્તિ દીઠ ૦૧ કરોડ વૃક્ષ ઉછેરવાના લક્ષ્યાંકની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસે કરાઇ હતી.
સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય, લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા અને ગ્લોબલ ગ્રામિણ વિકાસ ટ્રસ્ટ નવસારીના સંયુક્ત ઉપક્રમે વલસાડ ઉત્તર વનવિભાગ પંગારબારી રેન્જના સહયોગથી પીપરોળ હિલ સ્ટેશન પર ૧૦૦ બંગાળી બાવળના રોપાનું પ્રતિકાત્મક વૃક્ષારોપણ સાથે આ મહા અભિયાન શરુ કરાયુ હતું.
વિશ્વ પર્યાવરણ દિવસથી વિશ્વ આદિવાસી દિવસ ૦૯ ઓગસ્ટ સુધી ૩૪ દિવસમાં ૦૧ કરોડ આદિવાસી વ્યક્તિ દીઠ એક વૃક્ષ ઉછેરવાની પીપરોળ હિલ સ્ટેશનથી શરૂઆતની સાથે જન ભાગીદારી, જળ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન તેમજ પ્રદુષણ ઓછું કરવા સહિતના મુદ્દા પણ આવરી લેવાયા છે.

પીપરોળમાં અભિયાનના આરંભ અવસરે લોક મંગલમ ટ્રસ્ટના શ્રી નિલમભાઈ પટેલે આ અભિયાનની રૂપરેખા આપી જંગલ સંવર્ધનનું ચિંતન કરવા અપીલ કરી દરેક જિલ્લામાં મુહિમ ચલાવી વન વિભાગ, સરકારી કચેરી સાથે સંકલન કરી વાવેતર અને તેના ઉછેરની જવાબદારી ઉઠાવવા આહવાન કર્યુ હતુ. વધુમાં તેમણે પીપરોળમાં રોપાઓને ચોમાસા સુધી પાણી આપવા બેરલની વ્યવસ્થા કરાઇ હોવાની વાત પણ કરી હતી.

આ અવસરે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત પ્રમુખ ડૉ. પ્રદીપ ગરાસિયાએ કહ્યુ કે, પૃથ્વીના વધતા તાપમાન અને સતત વધતા પ્રદૂષણને કારણે આજે દરેક ક્ષેત્રમાં તકલીફ પડી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે કુદરતી આપત્તિઓ આવી રહી છે. ઋતુચક્ર પણ ખોરવાયું છે. શિયાળો ટૂંકો થઈ રહ્યો છે, ઉનાળાની સીઝન લંબાઈ રહી છે અને વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. જેથી ઘરના વાડામાં, શાળામાં કે ખેતરના શેઢે ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરીને પણ આપણે આ ફરજ નિભાવી શકીએ એમ કહ્યુ હતું.

આ ઉપરાંત આંબાની કલમ, વડ, લીમડો, પીપળો તેમજ લુપ્ત થતી વનસ્પતિઓની પ્રજાતિઓ વાવવા અને ઉછેરવા પર ભાર મૂકી લોકભાગીદારી અને સરકારી યોજનાઓના સમન્વયથી ડુંગરોને ફરીથી નવપલ્લવિત કરવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથે પ્રાકૃતિક અને જૈવિક ખેતી માટે અનુરોધ કરી ગામડે-ગામડે લોકોમાં જંગલ સંવર્ધન અંગે જાગૃતિ ફેલાવવા આહવાન કર્યુ હતું.
આ અવસરે જીજીવીટી નવસારીના તેજસભાઇ પટેલ, આરએફઓ ભૂમિકાબેન પટેલ, સમસ્ત આદિવાસી સમાજ વલસાડ કન્વીનર ઉત્તમભાઇ ગરાસિયા, એ. કે. પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!