ગુજરાત એલર્ટ | વલસાડ
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુધ્ધના પગલે સર્જાયેલી ઊર્જા કટોકટીની અસર આખી દુનિયામાં દેખાઈ રહી છે. ક્રુડ ઓઇલના વધતા ભાવના લીધે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ હાલની સ્થિતિમાં લોકોને પેટ્રોલ- ડીઝલ વપરાશના વાહનોનો ઓછો વપરાશ કરવા માટે અપીલ કરી છે. જેને સ્વીકારી લોકો હવે પરંપરાગત વાહનોને બદલે વૈકલ્પિક વાહન તરફ વળ્યા છે. ટ્રાન્સપોર્ટેશનના ખર્ચથી બચવા માટે વલસાડ જિલ્લાના નાગરિકો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ને પહેલી પસંદગી બનાવી રહ્યા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને હાલની સ્થિતિમાં પેટ્રોલ- ડીઝલ વાહનોનો વપરાશ ઓછો કરવા માટે અપીલ કરતા તેની સાનુકૂળ અસર વલસાડ જિલ્લામાં દેખાઈ રહી છે. ગત વર્ષે ૨૦૨૫માં ૧૯૭૯ ઈલેક્ટ્રીક વાહનો વેચાયા હતા. જેની સાથે ચાલુ વર્ષે જાન્યુ. થી મે સુધીના માત્ર પાંચ જ માસમાં ૧૩૫૫ ઈવી વાહનોનું વેચાણ થયું છે. જે આંકડો જોતા વર્ષ પૂર્ણ થતા સુધીમાં રેકોર્ડ બ્રેક ઈવી વાહનોનું વલસાડ જિલ્લામાં વેચાણ થશે એવું અનુમાન આરટીઓ વિભાગ દ્વારા લગાવાય રહ્યું છે.

વલસાડ જિલ્લા આરટીઓ અધિકારીશ્રી નિકુંજ ગજેરાએ જણાવ્યુ કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વ્હીકલ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. લોકો પેટ્રોલ-ડિઝલના વાહનોને બદલે ઈવી તરફ વળે તે માટે તા. ૧ એપ્રિલ ૨૦૨૫થી તા. ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી ઈવી વાહનો પર રોડ ટેક્સ માત્ર એક જ ટકા લેવાઈ રહ્યો હતો, પરંતુ ઈવી વાહનોની માંગ વધતા અને પ્રજાને મોંઘવારીનો માર સહન ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા માત્ર એક ટકા રોડ ટેક્સ ભરવાની મુદ્દત લંબાવીને તા. ૩૧ માર્ચ ૨૦૨૭ કરવામાં આવી છે. જ્યારે પેટ્રોલ ડિઝલના વાહનો પર ૬ ટકા રોડ ટેક્સ આરટીઓ કચેરી દ્વારા વસૂલવામાં આવે છે.

વાપીના બલીઠા ખાતે સ્થિત ઈકો ઈન્ડિયા ઈલેકટ્રોમેક પ્રા.લિ.ના ડિરેકટરશ્રી મનિષ પાટીલ જણાવે છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે, જે મુજબ ઈલેકટ્રીક વાહનોની ખરીદીમાં જીએસટી, ઈમ્પોર્ટ ડ્યુટી અને અન્ય લાભો મળી ઈવીના વાહનોની કિંમતમાં ૨૦ ટકાનો ભાવ ઘટાડો કર્યો છે, જેના કારણે લોકો ઈવી તરફ વધુ વળી રહ્યા છે. આ સિવાય બ્રાન્ડેડ કંપનીની ઈવી બાઈક અને મોપેડ રૂ. ૧ થી રૂ.૧.૫૦ લાખ સુધીમાં મળે છે જ્યારે નવી ઉભરતી મેન્યુફ્રેક્ચર કંપનીઓ દ્વારા રૂ. ૫૦ હજાર થી રૂ. ૭૦ હજાર સુધીની કિંમતમાં ઈવી વાહનો વેચાણ માટે મુકાય રહ્યા છે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મોંઘવારીના સમયમાં આશીર્વાદ સમાન ગણાય છે.
જાન્યુઆરીથી ઇવીના વેચાણમાં વધારો, મે માસમાં ખરીદીનો ગ્રાફ સૌથી ઊંચો

જુદી જુદી કંપનીઓએ પરંપરાગત વાહનની સાથે સાથે ઈલેક્ટ્રિક વાહનો પણ બનાવવાનું શરૂ કરી દેતાં લોકોમાં પણ આ બાબતે જાગૃતિ આવી છે. તા.૧ જાન્યુઆરીથી જ લોકોનો ઝુકાવ ઇવી તરફ વધ્યો હોવાનું સામે આવ્યું છે. વલસાડ જિલ્લા પ્રાદેશિક પરિવહન કચેરીના આંકડા મુજબ, ચાલુ વર્ષે પહેલી જાન્યુઆરીથી મે સુધીના ટૂંકા ગાળામાં જ જિલ્લામાં કુલ ૧૩૫૫ ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ ચૂકી છે. છેલ્લા પાંચ મહિનામાં EV ખરીદીનો સૌથી ઊંચો ગ્રાફ વડાપ્રધાનશ્રીની અપીલ બાદ મે મહિનામાં જોવા મળ્યો હતો.
વલસાડવાસીઓ ગ્રીન એનર્જી તરફ ઝડપથી ડગ માંડી રહ્યા છે.

આંકડાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, મે મહિનામાં ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં બમ્પર ઉછાળો આવ્યો હતો, જેમાં એક જ મહિનામાં ૩૭૪ ઈલેક્ટ્રીક વાહનો રજીસ્ટર થયા હતા. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી મુક્તિ મેળવવા અને પર્યાવરણ તરફ પૂરક અભિગમ અપનાવવા માટે વલસાડવાસીઓ હવે ગ્રીન એનર્જી તરફ ઝડપથી ડગ માંડી રહ્યા છે. નિષ્ણાતોના મતે સોલાર ઊર્જાના જોડાણ વધતા અને સરકારની સહાયકારી નીતિને પગલે આગામી દિવસોમાં આ ટ્રેન્ડ હજુ વધુ મજબૂત બનશે.
