કેપિટલ માર્કેટના ક્ષેત્રમાં CA માટે વિશાળ તકો: વાપી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કોન્ફરન્સમાં નિષ્ણાતોનું મંથન

ગુજરાત એલર્ટ | વાપી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) હવે માત્ર ટેક્સ ઓડિટ પૂરતા સીમિત ન રહેતા, તેમના માટે પ્રોફેશનલ ક્ષેત્રે નવી દિશાઓ ખૂલી રહી છે. હાલના સમયમાં કેપિટલ માર્કેટમાં સીએ માટે મોટો સ્કોપ ઊભો થયો છે. આંકડાની માયાજાળ સાથે રમત કરતા સીએની કેપિટલ માર્કેટમાં ડિમાન્ડ સતત વધી રહી છે, જેને સીએ ઇન્સ્ટિટ્યૂટ પણ પૂરતું પ્રોત્સાહન આપી રહી છે. આ કડીના ભાગરૂપે તાજેતરમાં વાપી ખાતે કેપિટલ માર્કેટ વિષય પર એક ખાસ રાષ્ટ્રીય કોન્ફરન્સ ‘અર્થવ્યૂ 2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રીય પરિસંવાદમાં સીએ ઇન્સ્ટિટ્યૂટના પાસ્ટ પ્રેસિડન્ટ ચરનજ્યોત સિંઘ નંદાએ ખાસ હાજરી આપીને માર્કેટની અનિશ્ચિતતા અને ભવિષ્ય અંગે મહત્વની ચર્ચા કરી હતી. તેમણે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કેપિટલ માર્કેટનો ટ્રેન્ડ આગામી સમયમાં પોઝિટિવ રહેશે, જોકે તેના માટે રોકાણકારોએ થોડી રાહ જોવી પડશે. આ ઉપરાંત જય છૈરાએ પણ કેપિટલ માર્કેટના વર્તમાન પ્રવાહો અને તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બદલાતી તેમજ મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો.

આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે મુંબઈ બાદ હવે વાપીનું ઉદ્યોગ જગત પણ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વાપીની સ્થાનિક ક્ષેત્રની ચારથી પાંચ જેટલી કંપનીઓ આગામી સમયમાં પોતાનો આઈપીઓ (IPO) લાવવાની તૈયારી કરી રહી છે, જ્યારે અન્ય કંપનીઓ પણ આ દિશામાં આગળ વધી રહી છે. કોઈપણ કંપની માટે આઈપીઓ લાવવાની પ્રક્રિયામાં સીએની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક હોય છે. આ બાબતને રેખાંકિત કરતા વાપીના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીજ્ઞેશભાઈ વસાણીએ જણાવ્યું હતું કે, આઈપીઓના આ ટ્રેન્ડને કારણે સીએ માટે કેપિટલ માર્કેટના ક્ષેત્રમાં ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે.
વૈશ્વિક પરિસ્થિતિઓ તરફ ધ્યાન દોરતા ગાંધીધામના સીએ જીતેન્દ્ર ખંડુલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે અને ડોલર સામે રૂપિયો ગગડ્યો છે. આવી સ્થિતિમાં કેપિટલ માર્કેટમાં ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવું જરૂરી બન્યું છે. આ જ કારણોસર કોન્ફરન્સમાં ઉપસ્થિત પ્રોફેશનલ્સને ફન્ડામેન્ટલ એનાલિસિસની સાથે મેક્રો અને માઈક્રો ટ્રેડિંગ અંગે વિસ્તૃત ટેકનિકલ માહિતી પુરી પાડવામાં આવી હતી.
વાપીના આંગણે પ્રથમ વખત યોજાયેલી આ ઐતિહાસિક રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સને સફળ બનાવવામાં સીએ બ્રાન્ચના પ્રેસિડન્ટ દીપિકા ગુટગુટિયાએ કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. આ પરિસંવાદમાં દેશભરમાંથી 300થી વધુ સીએ સભ્યો અને પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા. ઉદ્યોગનગરી વાપીના ઇતિહાસમાં નાણાકીય જગતના જ્ઞાનવર્ધન માટે આ કોન્ફરન્સ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!