ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના અતુલ ખાતે આવેલ અતુલ લિમિટેડની ગણના વિશ્વના સૌથી હરિયાળા કેમિકલ કેમ્પસમાં થાય છે. પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણ માટે કંપનીની પ્રતિબધ્ધતા નોંધનીય છે. તા. ૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીરૂપે અતુલ લિમિટેડ ધ્વારા અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા. વિશ્વ પર્યાવરણ દિવસની થીમને અનુસરી ઓન લાઇન ક્વીઝ, પર્યાવરણ ચક્ર, પોસ્ટર કોમ્પિટેશન, એન્વાયરમેન્ટલ અંતાક્ષરી જેવી સ્પર્ધાઓમાં કંપનીના કર્મચારીઓ, એમના પરિવારજનો અને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કંપની દ્વારા લોક જાગ્રુતિ માટે પેમ્પફ્લેટ પણ વહેંચાયા હતા.

દર વરસની જેમ આ વરસે પણ કંપની દ્વારા તા. ૫ જૂન શુક્રવારના રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, જિલ્લા પંચાયતનાં સદસ્યો તાલુકા પંચાયતનાં સદસ્યો,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી શ્રી ઇન્દ્રવદનભાઇ પટેલ અને શ્રી વિરલભાઇ ચૌધરી ઉપરાંત આસપાસના ગામનાં સરપંચશ્રીઓ અને શાળાનાં આચાર્યશ્રીઓ, હરિયા ખેડૂત મંડળના આગેવાનો જેવા મહાનુભાવોએ હાજરી પૂરાવી ઉજવણીની શોભા વધારી હતી. કંપનીના ડાયરેક્ટર શ્રી વિવેક ગદરે દ્વારા તુલસીના છોડથી માનવંતા મહેમાનોનુ અભિવાદન કરાયું હતુ. આ અવસરે વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલે પર્યાવરણ ક્ષેત્રે અતુલની સરાહનીય કામગિરીને બિરદાવી પર્યાવરણ પ્રતિજ્ઞાને જીવનમાં ઉતારવાનો અનુરોધ કર્યો હતો. શ્રીમતી હેતલબેને અતુલના પ્રયત્નોને ઉલ્લેખી અતુલના કર્મચારીઓ એનું અનુકરણ પોતાના ગામ કે શહેરમાં પણ કરે એવી હાકલ કરી હતી. જીપીસીબીના અધિકારી શ્રી વિરલભાઇએ પર્યાવરણ દિવસની થીમના આધારે આપણે અને પર્યાવરણ એકબીજાથી જુદા નથી એવી સમજ આપી હતી. આ પ્રસંગે અતુલના ડાયરેક્ટર શ્રી વિવેક ગદરે, કંપનીના ઇએચએસ હેડ શ્રી હ્રદય દેસાઇ, જનરલ મેનેજર શ્રી ગૌતમ દેસાઇ,ફ્લોરા ડિવિઝનનાં હેડ શ્રી અજિતસિંઘ બત્રા સહિત અનેક ઉપરી અધિકારીઓ હાજર રહ્યા હતા. પર્યાવરણ સંરક્ષણમાં સૌને સહભાગી બનાવવાના કંપનીના અભિગમરૂપે આજના અવસરે કંપનીના પ્રતિનિધીઓ સાથે જિલ્લાના ધારાસભ્ય, તાલુકા અને જિલ્લાના નવા ચૂંટાયેલા પ્રતિનિધીઓ, આસપાસના ગામના આગેવાનો, તેમજ સરકારી અધિકારીઓ સહુએ ભેગા મળી વૃક્ષારોપણ કર્યુ, જેમાં સીતાફળ, જામફળ, આમળા, દાડમ, શેતુર જેવા ફળોના આશરે ત્રણસો જેટલા છોડ રોપવામાં આવ્યા હતા. અંતમાં ઇનામ વિતરણ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા.
