ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ – સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ખાતે તા. 5 જૂન 2026 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વલસાડ ઉત્તર વન વિભાગના સહયોગથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરકારી ITI ધરમપુરના વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે આવેલા મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે કેન્દ્રના પરિસરમાં કેન્દ્રના કર્મચારીઓ, આઇટીઆઇના વિદ્યાર્થીઓ અને ઇન્સ્ટ્રક્ટરો સાથે વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને આદિવાસી સમુદાય માટે “કલ્પવૃક્ષ” તરીકે ઓળખાતા મહુડો તેમજ પીપળો, ઉંમરો, અશોકા, કૈલાસપતિ, કુસુમ, કદંબ, રક્તચંદન, આમલી, જાંબુ, ગરમાળો, આસોપાલવ અને વડ જેવા વિવિધ વૃક્ષો તેમજ ગિલોય અને શતાવરીના 50 થી વધુ રોપાઓનું વિતરણ પોતાની આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા માટે કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં લેડી વિલ્સન મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. ઇન્દ્રા વત્સ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વૃક્ષારોપણમાં સહભાગી બની પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પ્રસરાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

ત્યારબાદ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના જિલ્લા વિજ્ઞાન અધિકારી, શ્રી પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1972માં સ્ટોકહોમ પર્યાવરણ પરિષદ બાદ કરવામાં આવી હતી અને પ્રથમ વખત 1973માં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, વરસાદી પાણીનું સંરક્ષણ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે, કારણ કે તે ભૂગર્ભ જળસ્તર વધારવામાં મદદરૂપ થાય છે અને પાણીની કમી ઘટાડે છે. તેમણે “વન બચાવો, જીવન બચાવો”નો સંદેશ આપતા જંગલોના સંરક્ષણ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, વ્યક્તિ પોતાના જન્મ દિવસની ઉજવણી કેક કાપીને કરે તેના કરતાં એક વૃક્ષ વાવીને ઉછેરે એ આજના પરિપ્રેક્ષયમાં વધુ જરૂરી છે.
જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના વિજ્ઞાન સંચારક જૈમિની પરમાર અને તૃપ્તિ રાઉત દ્વારા “આપણું પર્યાવરણ” વિષય પર પાવરપોઈન્ટ પ્રસ્તુતિ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. જૈમિની પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે, જલવાયુ પરિવર્તનના કારણે ઋતુઓના સ્વરૂપમાં મોટો ફેરફાર આવી રહ્યો છે અને ઋતુચક્ર અનિયમિત બની રહ્યું છે. અનિયમિત વરસાદ અને વધતી ગરમી જેવી પરિસ્થિતિઓ સીધી રીતે જલવાયુ પરિવર્તનનું પરિણામ છે. “Think Globally, Act Locally” અને “વસુધૈવ કુટુંબકમ્”ના મંત્રને આત્મસાત કરતાં, તૃપ્તિ રાઉતે જણાવ્યું કે પર્યાવરણની જાળવણી માત્ર એક દિવસ વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ તેમાં સામાજિક સુખાકારી, સાંસ્કૃતિક મૂલ્યો, આર્થિક વિકાસ અને તકનીકી નવીનતાના સમન્વય દ્વારા ટકાઉ જીવનશૈલીનું નિર્માણ સામેલ છે. સમગ્ર વિશ્વને એક પરિવાર માનીને પૃથ્વીના સંરક્ષણ માટે કરાયેલ દરેક નાનકડો પ્રયાસ આવનારી પેઢીઓ માટે સ્વસ્થ, સમૃદ્ધ અને ટકાઉ ભવિષ્યનું સૌથી મૂલ્યવાન રોકાણ છે.
ત્યારબાદ નેચર ટ્રેઇલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના વિજ્ઞાન સંચારક શ્રી મેહુલ પાડવી અને સાગર પટેલ દ્વારા સહભાગીઓને વિજ્ઞાન કેન્દ્ર પરિસરમાં આવેલા વિવિધ પ્રકારના વૃક્ષો, ઔષધીય વનસ્પતિઓ તથા સ્થાનિક જૈવવિવિધતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વિવિધ વનસ્પતિઓના ઔષધીય, પર્યાવરણીય અને વૈજ્ઞાનિક મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
“પર્યાવરણ” વિષય પર નારા લેખન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં સહભાગીઓએ પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ, સ્વચ્છતા અને હરિયાળી જાળવવાના સંદેશને વ્યક્ત કરતા સર્જનાત્મક અને પ્રેરણાદાયી નારા રજૂ કર્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે સહભાગીઓમાં સર્જનાત્મકતા અને સામાજિક જવાબદારીની ભાવનાને પણ પ્રોત્સાહન મળ્યું હતું.
આ ઉપરાંત સહભાગીઓ માટે પરિસ્થિતિતંત્ર અને પર્યાવરણ આધારિત વિશેષ 3D ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ દ્વારા સહભાગીઓને વિવિધ પરિસ્થિતિતંત્રો, જૈવવિવિધતા, આહાર શૃંખલા, કુદરતી સંસાધનોના સંરક્ષણ તેમજ પર્યાવરણના સંતુલન અંગે દૃશ્યાત્મક અને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી
કાર્યક્રમમાં કુલ 80 જેટલા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ ITI ધરમપુરના ઇન્સ્ટ્રક્ટર શ્રી હિરેન પટેલ, શ્રી ભાવેશ માહ્યાવંશી તથા શ્રી રોનક પટેલે વિશેષ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સહભાગીઓએ પર્યાવરણ સંરક્ષણ, જૈવવિવિધતાના જતન તથા ટકાઉ વિકાસ અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી. કાર્યક્રમના અંતે સૌએ પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશને સફળતાપૂર્વક સાકાર કરવામાં આવ્યો હતો.
