ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પોતાની સાદગી અને જન સંવેદના માટે જાણીતા છે. આ જ શ્રેણીમાં, ફરી એકવાર તેઓ લોકભવનની સુખ સુવિધાઓ છોડીને સીધા જનતાની વચ્ચે પહોંચ્યા હતા. રાજ્યપાલશ્રીએ ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી વાપી સુધીની યાત્રા વંદે ભારત ટ્રેનમાં બેસીને કરી હતી.

આ યાત્રાની સૌથી વિશેષ વાત એ રહી કે, રાજ્યપાલશ્રીએ પ્રોટોકોલ અને વિશિષ્ટ સુવિધાઓને બાજુ પર રાખીને, એક સામાન્ય નાગરિકની જેમ મુસાફરી કરી હતી. રાજ્યપાલશ્રીનો આ સાદગીપૂર્ણ પ્રવાસ શાસન પ્રત્યે જનતાના વિશ્વાસને વધુ મજબૂત કરે છે.

સફર દરમિયાન રાજ્યપાલશ્રીએ રેલવેમાં સવાર અન્ય મુસાફરો સાથે અત્યંત આત્મીય અને આદરપૂર્ણ સંવાદ કર્યો હતો. તેમણે મુસાફરોને તેમના ખબર અંતર પૂછ્યા, તેમની સમસ્યાઓને સમજી અને સરકારી પરિવહન સેવાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. મુસાફરો માટે પણ આ એક સુખદ અને આશ્ચર્યજનક ક્ષણ હતી કે તેમની વચ્ચે રાજ્યના પ્રથમ નાગરિક એક સામાન્ય મુસાફરની જેમ બેઠા છે.
આ અગાઉ પણ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઘણી વખત રેલવે / એસ.ટી. બસમાં મુસાફરી કરી ચૂક્યા છે. રાજ્યપાલશ્રીની આ યાત્રા તેમના જીવન મૂલ્યો, પ્રભાવી જનસંપર્ક અને જાહેર સેવાઓ પ્રત્યે તેમની નિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે વહીવટી તંત્ર વતી જિલ્લા કલેક્ટર શ્રી નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, વાપી મહાનગરપાલિકા કમિશનરશ્રી એન.એફ.ચૌધરી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજાએ પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
