ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પંચાયત કચેરીના સરદાર સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન-ચાર્જ કલેકટરશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને જિલ્લા રક્તપિત કો-ઓર્ડિનેશન કમિટિની મીટિંગ મળી હતી, જેમાં ચાલુ માસમાં તા. ૮ જુન ૨૦૨૬ થી શરૂ થનાર રક્તપિત દર્દી શોધ અભિયાન (એલસીડીસી- લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પેઈન) અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અભિયાન આગામી તા. ૩૦મી જુન ૨૦૨૬ સુધી ચાલશે.
આ બેઠક દરમિયાન જિલ્લા રક્તપિત અધિકારીશ્રીએ રક્તપિત અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૭ સુધીમાં સમગ્ર રાષ્ટ્રને રક્તપિત દર્દી મુક્ત બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારશ્રી દ્વારા લેપ્રસી રોગનું પ્રમાણ દર (પ્રિવેલન્સ) ૧૦ હજારની વસ્તી સામે એક અથવા એક કરતા ઓછા મળે તે રીતે રક્તપિતને નાબૂદ કરવા માટે મકક્મ નિર્ધાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હાલ વલસાડ જિલ્લામાં આ અભિયાનને સફળતા મળતા રકતપિતના દર્દીનો પ્રિવેલન્સ (વ્યાપકતા) દર ૧.૦૧ છે. આ સમગ્ર અભિયાન દરમ્યાન જિલ્લાનાં આશાની ટીમ દ્વારા ઘરે-ઘર જઇ મહત્તમ નવા દર્દીઓ શોધી તમામને સારવાર હેઠળ મૂકવામાં આવશે તેમજ દર્દી સાથે રહેનાર કુટુંબીજનો અને પાડોશી (આશરે ૨૦ વ્યક્તિ)ને SDR (સીંગલ ડોઝ રીફામ્પીસીન) કેપ. રીફામ્પીસીનનો એક ડોઝ રોગ અટકાયત માટે આપવામાં આવશે. તેમજ આ રોગથી પીડાતા એકપણ દર્દી તપાસ વગર રહી ના જાય એ જોવાનુ રહેશે.

આ મીટિંગ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં રકતપિત દર્દી શોધ અભિયાનને વધુ સઘન બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં ઇન-ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એચ.પી. સિંઘ, જિલ્લા એપીડેમીક અધિકારીશ્રી ડો. મનોજ પટેલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, ડીએનએમઓશ્રી, જિલ્લા આરોગ્ય ખાતાના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારીશ્રી યોગેશભાઈ પટેલ અને જિલ્લા આશા કો-ઓર્ડિનેટર વિજય રાવત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
