ગુજરાત એલર્ટ | વલસાડ
વિશ્વ પર્યાવરણ દિવસ (૫ જૂન ૨૦૨૬) નિમિત્તે પર્યાવરણના રક્ષણ અને ક્લાઈમેટ ચેન્જને અટકાવવાના ઉદ્દેશ્યથી વાપીમાં નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ‘#Now for Climate’ ની થીમ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા વાપી મહાનગર પાલિકાના ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનના સાત વાહનોને લીલીઝંડી આપી રવાના કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમો અંતર્ગત વાપીના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પદ્મભૂષણ શ્રી રજ્જૂભાઈ શ્રોફ ઓડીટોરિયમ નજીક, જેમાં જીઆઇડીસી (GIDC) વાપીના બીજા તબક્કામાં ભડકમોરાથી તુલસી હોટલ સુધીના વિસ્તારમાં અંદાજે ૫૫૦ વૃક્ષો વાવીને નવા ગ્રીન બેલ્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નેશનલ હાઈવે નં. ૪૮ ના સર્વિસ રોડ પર વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કથી સીઈટીપી (CETP) વાપી સુધી ૧૫૦ વૃક્ષોના વાવેતર સાથે ગ્રીન બેલ્ટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ સીઈટીપી (CETP) વાપી ખાતે ૨૪૦૦ વૃક્ષોનું સામૂહિક વાવેતર કરી સઘન વનીકરણ (Dense forestation) કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વાપી મહાનગર પાલિકાના મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેષ દેસાઈ, VPMC સ્ટેંડિંગ કમિટી ચેરમેન સતીશભાઈ પટેલ, VPMC ના કમિશ્નર શ્રી એન. એફ. ચૌધરી, ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
