ખેરગામના ૮૪ વર્ષીય ચંપાબેન ગોહિલ મૃત્યુ પછી પણ એવું કામ કરી ગયા કે લોકો યાદ કરતા રહી ગયા: દેહદાન કરાયું

ખેરગામ
ખેરગામના મોચીવાડ વિસ્તારમાં રહેતા પરોપકારી મહિલા ચંપાબેન ચંપકભાઈ ગોહિલનું ૮૪ વર્ષની જૈફ વયે તા. ૩૦ મેના રોજ સવારે દુઃખદ અવસાન થયું હતું. જીવનના અંત પછી પણ અન્ય કોઈને નવજીવન આપવાની અનોખી ભાવના ધરાવતાં ચંપાબેને વર્ષો પહેલાં જ એક પ્રેરણાદાયી સંકલ્પ કર્યો હતો. તેમણે ૨૪ સપ્ટેમ્બર-૨૦૧૨ના રોજ પોતાના જન્મદિવસ નિમિત્તે સમાજ ઉપયોગી થવાના આશયથી દેહદાન અને ચક્ષુદાન માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ગઈકાલે સવારે તેમના અવસાન બાદ, ગોહિલ પરિવારે શોકના માહોલમાં પણ ચંપાબેનની અંતિમ ઈચ્છાને માન આપીને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેમની ઈચ્છાનુસાર સવારે ૧૧:૩૦ કલાકે GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, નાનકવાડા (વલસાડ) ખાતે દેહદાન કરવામાં આવ્યું હતું, જે તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ અને સંશોધન માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
આ સાથે જ, હોસ્પિટલની આઈ બેંકના સહયોગથી તેમનું ચક્ષુદાન પણ સ્વીકારવામાં આવ્યું હતું. જીવનદીપ ઓલવાઈ ગયા પછી નશ્વર દેહને અગ્નિદાહ આપવાને બદલે ચક્ષુદાન કરીને ગોહિલ પરિવારે બે અંધજનોના જીવનમાં પ્રકાશ પાથરવાનું મહાપૂણ્ય મેળવ્યું છે. ચંપાબેન અને તેમના પરિવારે લીધેલો આ નિર્ણય સમાજ માટે અત્યંત પ્રેરણાદાયી અને અનુકરણીય છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!