ગુજરાત એલર્ટ | વલસાડ
આ વાત માત્ર એક યુવાનની સફળતાની નથી, પરંતુ સંઘર્ષ, આત્મવિશ્વાસ અને અડગ મહેનતની સાથે સરકારની સહાયથી સફળતાની જીવંત ગાથા છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામનો એક એવો યુવાન કે, જે અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે, જેના પિતાના અવસાન બાદ માતાએ લોકોને ત્યાં ઘરકામ કરી દીકરાને ભણાવ્યો. ગરીબી અને મુશ્કેલીને નજીકથી જોનાર આ યુવાને પરિસ્થતિ સામે હાર માનવાને બદલે શિક્ષણ અને પ્રચંડ પુરૂષાર્થને પોતાનું હથિયાર બનાવ્યું, જેમાં ગુજરાત સરકાર વ્હારે આવી અને આ મહેનતુ યુવાને રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય દ્વારા કુલ રૂ. ૧ કરોડ પાંચ લાખની લોન મેળવી સપનાને સાકાર કરવાની શરૂઆત કરી. માત્ર ૩ વર્ષના ટૂંકા ગાળામાં મહેનત અને દઢ નિશ્ચયના બળે આ યુવાન સફળતાના એવા શિખરે પહોંચ્યો કે, આજે વર્ષે રૂ. ૫.૫૦ કરોડનું ટર્ન ઓવર કરી સફળ બિઝનેસમેન તરીકે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નામના મેળવી છે.

તાજેતરમાં સુરત ખાતે યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી જે.પી.નડ્ડાના હસ્તે એવોર્ડ અને રૂ. ૨ લાખની ધનરાશિના ચેક સાથે આ ઉદ્યોગસાહસિક યુવકનું સન્માન કરાયુ હતું. સામાન્ય પરિવારના આ યુવકની સફળતાની ગાથા એવા લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે કે, જેઓ નોકરી અને નસીબના ભરોસે બેસી રહે છે.

‘‘નસીબના ભરોસે બેસી રહેનારા લાખો હશે પરંતુ પુરુષાર્થથી નસીબ લખનારા જ ઇતિહાસ બનાવે છે’’ આ ઉક્તિને પારડી તાલુકાના ઉદવાડા ગામમાં જીમખાના ગ્રાઉન્ડ પાસે આતશ બહેરામની પાછળ રહેતા ૩૨ વર્ષીય આશિષ અનિલભાઈ હળપતિએ ચરિતાર્થ કરી છે. તેમની સફળતાની આ કહાની સાબિત કરે છે કે, ગરીબી કોઈ વ્યક્તિના સપનાને રોકી શકતી નથી. મનમાં કંઈક કરી બતાવવાનો જુસ્સો અને મહેનત કરવાની તૈયારી હોય તો રાજ્ય સરકાર તમારી પડખે છે. સરકારની યોજનાઓનો યોગ્ય લાભ લેવામાં આવે, તો શૂન્યમાંથી શિખર સુધીની સફર શક્ય બને છે.

ઉદ્યોગ સાહસિક યુવાન આશિષ હળપતિ જણાવે છે કે, વર્ષ ૨૦૧૫માં બી.કોમ. કર્યા બાદ વર્ષ ૨૦૧૬માં ગલ્ફ કન્ટ્રી બહેરીનમાં પાંચ વર્ષ સાઈનબોર્ડની કંપનીમાં નોકરી કરી હતી. વર્ષ ૨૦૨૧માં કોરોનાકાળ આવતા પરત વતન આવવુ પડ્યું. અહીં એક- બે ખાનગી કંપનીમાં નોકરીની સાથે એમબીએનો અભ્યાસ ચાલુ કર્યો પરંતુ સ્ટડીના કારણે જોબ છોડી દેવી પડી, કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે સમોસા પટ્ટી અને સ્પ્રિંગ રોલનો બિઝનેસ કરવાનો વિચાર આવ્યો કારણ કે, મારા પરિવારમાંથી ઘણા લોકો દમણ અને પારડીની આવી જ કંપનીમાં નોકરી કરતા હતા. તેમના અનુભવને કારણે મારામાં આત્મવિશ્વાસ વધ્યો પરંતુ જરૂર હતી નાણાકીય ભંડોળની, એક દિવસ હું મોબાઈલમાં સોશિયલ મીડિયા જોતો હતો ત્યારે પ્રધાનમંત્રી એમ્પ્લોઈમેન્ટ જનરેશન પ્રોગામ યોજના વિશે જાણ થઈ જેમાં સ્ટાર્ટઅપ માટે રૂ. ૨૫ લાખની લોન સબસિડી સાથે મળે છે, જેથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પહોંચી યોજનાની માહિતી મેળવી અરજી કરી તો રૂ. ૧૬ લાખ ૮૭ હજારની લોન મળી અને અને ઘર પાસે જ ઉદવાડામાં વર્ષ ૨૦૨૩માં ૧૮૦૦ સ્કવેર ફીટમાં નાના પાયે મોર્ડન ફૂડ્સ ઈન્ડિયા કંપની સ્થાપી સ્ટાર્ટઅપની શરૂઆત કરી, ત્યારબાદ વર્ષ ૨૦૨૪માં પારડી જીઆઈડીસીમાં સ્થળાંતર કર્યુ અને બિઝનેસનો વ્યાપ વધારવા માટે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ રૂ. ૨૨ લાખની લોન અને બાદમાં ડિસેમ્બર ૨૦૨૫માં એસસી/એસટી હબ સ્કીમ યોજનાનો લાભ લઈ રૂ. ૬૭ લાખની લોન લીધી હતી. જેમાંથી સ્વદેશી મશીનરીની ખરીદી કરી હતી. ત્રણેય યોજનાનો લાભ લઈ કુલ રૂ. ૧,૦૫,૮૭,૦૦૦ની યોજનાકીય લોન મેળવી હતી જેમાંથી કુલ રૂ.૧૧ લાખની સબસિડી મળતા ઘણી રાહત થઈ, હજુ રૂ. ૧૫ લાખની સબસિડી ચાલુ વર્ષે મળનાર છે. ખાસ વાત એ છે કે, સરકારી યોજના હેઠળ બેંકમાંથી મળેલી લોનમાં પણ વ્યાજમાં ઘણી રાહત હોય છે. ૧૮૦૦ સ્કેવર ફીટની જગ્યા પર શરૂ કરેલુ આ સ્ટાર્ટઅપ આજે ૧૧૦૦૦ સ્કેવર ફીટ જગ્યા પર ધમધોકાર ચાલી રહ્યુ છે. આગામી દિવસોમાં હવે નુડલ્સ બનાવવાની શરૂઆત કરી બિઝનેસનો વ્યાપ વધારવાનું વિઝન છે.

પોતાની પ્રોડ્કટની નિકાસ અંગે આશિષભાઈ વધુમાં કહે છે કે, પારડીના પ્લાન્ટ ખાતે રોજના ૫ ટન અને બરોડાની કંપની ખાતે રોજના બે ટન ઉત્પાદન ચાલુ છે. જેના દ્વારા પારડીમાં ૬૦ અને બરોડામાં ૨૫ જણાને રોજગારી મળી રહી છે. અહીં ઉત્પાદન થતી પ્રોડક્ટ મહારાષ્ટ્ર, ગુજરાત, હૈદરાબાદ, કર્ણાટક, તેલંગણા, મધ્યપ્રદેશ અને દમણ-દાનહમાં નિકાસ થાય છે. શરૂઆતમાં વર્ષે રૂ. ૩૦ થી ૪૦ લાખનું ટર્નઓવર થતું, હવે વર્ષે રૂ. ૫.૫૦ કરોડનું ટર્ન ઓવર થાય છે, જેમાંથી તમામ ખર્ચ બાદ કરી વાર્ષિક નફો રૂ. ૪૦ લાખ થાય છે. મારી આ સફળતાની કહાનીમાં સૌથી મોટી મદદગાર રહેલી રાજ્ય સરકારનો હું દિલથી આભાર માનુ છે.
બેરોજગાર યુવાનો સરકારની યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બની શકે છેઃ એન્ટરપ્રિન્યોર આશિષ હળપતિ

ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાને મળેલી સફળતા અંગે આશિષભાઈ કહે છે કે, શરૂઆતના સમયમાં ખૂબ જ મહેનત કરવી પડી હતી. માર્કેટમાં હરીફાઈ હોવાથી પોતાની પ્રોડકટ માટે જાતે લોકો પાસે જઈ માર્કેટીંગ કર્યુ, વેચાણ કર્યુ અને ડિલિવરી પણ કરી, જેથી ગ્રાહકોનો ભરોસો વધ્યો હતો. આ સિવાય રિઝનેબલ પ્રાઈસ અને ટ્રાન્સપોર્ટ દ્વારા એક જ દિવસમાં ડિલિવરી કરવાથી મારી પ્રોડકટની માંગ વધી. આજના યુવાનોને સંદેશ આપવા માંગુ છું કે, આજે અનેક પ્રકારના સ્ટાર્ટઅપ ચાલુ કરી શકાય છે પરંતુ મેં ફૂડ આઈટમની પસંદગી કરી હતી, કારણ કે, તેની રોજની ડિમાન્ડ રહે છે. યુવાનોને એટલુ કહું છું કે, બેરોજગાર યુવાનો સરકારની વિવિધ યોજનાનો ઉપયોગ કરી કોઈપણ સ્ટાર્ટઅપ ચાલુ કરી આત્મનિર્ભર બની શકે છે. બસ, જરૂર છે સંપૂર્ણ મહેનત અને આત્મવિશ્વાસ સાથે સતત લાગી રહેવાનું. તો સફળતા અવશ્ય મળશે.
