ગુજરાત એલર્ટ | નવસારી
નવસારી મહાનગરપાલિકાના મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયાની વરણી કરવામાં આવી છે. લાંબા સમયથી સંગઠન અને જાહેર જીવનમાં સક્રિય રહેલા અશોકભાઈને શહેરના વિકાસ માટે કાર્યક્ષમ નેતૃત્વ તરીકે જોવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી મેયર પદે કેયુરીબેન દેસાઈની પસંદગી કરવામાં આવી છે. મહિલા પ્રતિનિધિત્વ સાથે શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી આશા સેવાઈ રહી છે.
કારોબારી ચેરમેન તરીકે મુકેશભાઈ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. શહેરના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ અને વહીવટી નિર્ણયો માટે આ હોદ્દો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પક્ષના નેતા તરીકે નરેશભાઈ પુરોહિતને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે દંડક તરીકે રાકેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી બાદ ભાજપ કાર્યકરો અને શહેરભરમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. શહેરના રાજકીય વર્તુળોમાં નવા નેતૃત્વને લઈ શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકાના વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે નવા ચહેરાઓને જવાબદારી સોંપતા વિકાસકાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાજપ સંગઠન તેમજ યુવા કાર્યકરો દ્વારા તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. શહેરના વિકાસ, સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને નાગરિકોને વધુ સારી સેવાઓ પહોંચાડવા માટે નવી ટીમ મહત્વપૂર્ણ કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. “સેવા હી સંસ્થાન, સંઘર્ષ હી સાધના”ના સૂત્ર સાથે નવી ટીમ નવસારી શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ બની કાર્ય કરશે.
