વલસાડ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં પ્રમુખની વરણી: વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ પદે કિશોરભાઈ પટેલ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયતોના પ્રમુખ પદની વરણી પૂર્ણ થતાં સ્થાનિક રાજકારણમાં સક્રિયતા જોવા મળી રહી છે. વિવિધ તાલુકાઓમાં નવા પ્રમુખોની પસંદગી બાદ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ગ્રામ્ય વિકાસ, માર્ગ-પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ તેમજ સરકારની યોજનાઓને ગામડાં સુધી અસરકારક રીતે પહોંચાડવા નવી ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી કિશોરભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા કિશોરભાઈને અનુભવી નેતૃત્વ તરીકે જોવામાં આવે છે. પારડી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી કિન્નરીબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. મહિલા નેતૃત્વને પ્રાધાન્ય મળતા સ્થાનિક સ્તરે વિકાસકાર્યોને નવી દિશા મળશે તેવી ચર્ચા છે.
ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી શકુંતલાબેન ચૌધરીની વરણી કરવામાં આવી છે. આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુર તાલુકામાં આરોગ્ય, શિક્ષણ અને માર્ગ સુવિધાઓને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. નાનાપોંઢા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતિ મનિષાબેન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસલક્ષી યોજનાઓને વેગ આપવા માટે તેઓ સક્રિય કામગીરી કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ ગાંવઠાની વરણી કરવામાં આવી છે. આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા તેઓ પ્રયત્નશીલ રહેશે તેવી ચર્ચા ચાલી રહી છે. જ્યારે ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી સંતોષભાઈ વળવીની પસંદગી કરવામાં આવી છે. ઔદ્યોગિક અને ગ્રામ્ય વિસ્તારના સંતુલિત વિકાસ માટે નવી ટીમ કામ કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
જિલ્લાભરમાં ભાજપ અને સ્થાનિક કાર્યકરો દ્વારા તમામ નવનિયુક્ત પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. નવી નેતાગીરી તાલુકા સ્તરે વિકાસના કામોને વધુ ગતિ આપશે અને સામાન્ય લોકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેશે તેવી લાગણી લોકોમાં જોવા મળી રહી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!