ગુજરાત એલર્ટ | વાપી
વલસાડ જિલ્લાના વાપીમાં ગુજરાત ATS અને વલસાડ SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. વાપી તાલુકાના કુંતા ગામે આવેલા એક ભંગારના ગોડાઉનમાં દરોડા પાડી પોલીસે રૂપિયા 71 લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન (MD ડ્રગ્સ) ઝડપી પાડતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ ગુજરાત ATSને બાતમી મળી હતી કે કુંતા ગામે આવેલા ‘AK સ્ટીલ સપ્લાયર્સ’ નામના ભંગારના ગોડાઉનની આડમાં પ્રતિબંધિત ડ્રગ્સનો ગેરકાયદેસર કારોબાર ચાલી રહ્યો છે. બાતમી આધારે ATS અને વલસાડ SOGની ટીમે સંયુક્ત રીતે ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. પોલીસે ગોડાઉનમાં પ્રવેશ કરતા જ અંદરનું દ્રશ્ય જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
ભંગારના વેપારની આડમાં MD ડ્રગ્સ તૈયાર કરવાની અને બજારમાં સપ્લાય કરવાની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન બે શખ્સો પ્રવાહી સ્વરૂપમાં રહેલા મેફેડ્રોનને સૂકવી તેને વેચાણલાયક બનાવવાની પ્રક્રિયા કરતા ઝડપાઈ ગયા હતા. પોલીસે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 2.377 કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂપિયા 71.31 લાખ જેટલી ગણવામાં આવી રહી છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે સ્થળ પરથી પાંચ મોબાઈલ ફોન, ત્રણ ડિજિટલ વજન કાંટા તેમજ ડ્રગ્સ પ્રોસેસિંગ માટે વપરાતી અન્ય સામગ્રી પણ કબ્જે લીધી છે.
પકડાયેલા આરોપીઓમાં મેહુલ મકવાણા અને અબ્દુલ કલામ ખાનનો સમાવેશ થાય છે. જેમાં એક આરોપી વાપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે બીજો સંઘપ્રદેશ દમણનો હોવાનું જાણવા મળ્યું છે. બંને આરોપીઓ લાંબા સમયથી નશાના કારોબાર સાથે જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કેસમાં FSLની મદદ લેવામાં આવી છે અને જપ્ત કરાયેલા કેમિકલ તેમજ ડ્રગ્સના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ હાલ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન રાજ્ય બહાર સુધી ફેલાયેલા મોટા નશાના નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં યુવાધનને નશાની ગેરમાર્ગે દોરતી ગેંગ્સ સામે ATS અને SOG દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી નશાના કારોબારીઓ માટે કડક ચેતવણી સમાન માનવામાં આવી રહી છે.
આ ગોડાઉનનો ઉપયોગ માત્ર ભંગાર માટે નહીં પરંતુ ડ્રગ્સના સ્ટોરેજ અને પ્રોસેસિંગ સેન્ટર તરીકે પણ થતો હતો. હવે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું, કોને સપ્લાય થવાનું હતું અને આ રેકેટ પાછળ કયા મોટા માથાઓ સંકળાયેલા છે, તે જાણવા ATSએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
