ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર મિશન સંચાલિત રાજ ઉપહારગૃહમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હડતાળની વાતો વચ્ચે આજે એક અલગ જ ચિત્ર સામે આવ્યું હતું. જ્યાં એક તરફ કેટલીક બહેનોએ પગાર વધારો સહિતના મુદ્દાઓને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યારે બીજી તરફ ઉપહારગૃહમાં કાર્યરત અનેક મહિલાઓએ મીડિયા સમક્ષ આવી સંસ્થાના પક્ષમાં ખુલ્લેઆમ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મીડિયા મુલાકાત દરમિયાન ઉપહારગૃહમાં કાર્યરત બહેનોએ જણાવ્યું હતું કે તેમને અહીં સમયસર અને યોગ્ય વેતન આપવામાં આવે છે. સાથે જ પીએફ, વીમા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કેટલીક મહિલાઓએ તો એવું પણ જણાવ્યું કે સંસ્થાએ તેમના પરિવારનો આરોગ્ય વીમો ઉતાર્યો છે અને સારવાર માટે લગભગ ૪૫ હજાર રૂપિયા સુધીનો ખર્ચ પણ ચૂકવ્યો હતો.
મહિલાઓએ ભાવુક સ્વરે જણાવ્યું કે “અમને ઘરઆંગણે આટલી સારી નોકરી, પીએફ, વીમા અને સન્માન સાથે કામ કરવાની તક અન્યત્ર મળવી મુશ્કેલ છે.” તેઓએ વધુમાં ઉમેર્યું કે કેટલાક ચોક્કસ લોકો દ્વારા ઉશ્કેરણી થવાને કારણે અમારા જ પરિવારની લગભગ ૫૦ જેટલી કેટલીક બહેનો ગેરમાર્ગે દોરાઈ રહી છે, જેના કારણે હાલની પરિસ્થિતિ ઊભી થઈ છે.

વિશેષ વાત એ છે કે હડતાળની ચર્ચાઓ વચ્ચે પણ રાજ ઉપહારગૃહમાં અંદાજે ૨૦૦થી વધુ બહેનો નિયમિત રીતે કામ કરતી જોવા મળી હતી. મહિલાઓએ જણાવ્યું કે તેમની વચ્ચે ઘણી એવી બહેનો છે જે છેલ્લા પાંચથી દસ વર્ષથી અહીં કાર્યરત છે અને આજે તેઓ જ વિરોધમાં જોવા મળતા હોવાથી તેમને વ્યક્તિગત રીતે દુઃખ થાય છે.

સ્થળ પરની પરિસ્થિતિ જોતા એવું જણાયું કે હડતાળની અસર મર્યાદિત છે અને મોટી સંખ્યામાં મહિલાઓ હજુ પણ સંસ્થાની કાર્યપદ્ધતિથી સંતોષ વ્યક્ત કરી રહી છે. મહિલાઓએ ભારપૂર્વક જણાવ્યું કે સંસ્થાએ તેમને માત્ર રોજગાર જ નહીં પરંતુ આર્થિક સુરક્ષા અને વિશ્વાસ પણ આપ્યો છે.
