ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં છેલ્લા છ વર્ષથી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ ૧૨ પ્રોહિબિશનના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં વલસાડ એસ.ઓ.જી.ને મહત્વની સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમે આરોપીને મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને વધુ તપાસ અર્થે વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ડ્રાઇવ દરમિયાન એસ.ઓ.જી. વલસાડ (કેમ્પ વાપી) ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. વાય.પી. હડિયા અને ટીમ કાર્યવાહી કરી રહી હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને પાલઘરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી સંજીવ ઉર્ફે સંજુ ઉર્ફે મુરાલી શ્રીરામ જયસ્વાલ (ઉ.વ. ૩૨) હાલ ફ્લેટ નં. C-202, સાઈ એપાર્ટમેન્ટ, ચાણક્ય સ્કૂલ પાસે, સાતપાટી કોસ્ટલ, શિરગાંવ, તા. જી. પાલઘર, મહારાષ્ટ્ર ખાતે રહે છે. અગાઉ તે વાપી ટાઉન ખાતે નામધા રોડ પર લીલા ટાવર ફ્લેટ નં. ૧૦૬માં રહેતો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના મજૂરી ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
આરોપી સામે વાપી ઉદ્યોગનગર, વાપી ટાઉન, પારડી અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ ૧૨ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં કેટલાક ગુનાઓમાં IPC કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧ અને ૧૨૦(બી) હેઠળ બનાવટી દસ્તાવેજો અને કાવતરાની કલમો પણ સામેલ છે. આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસથી બચી ફરતો હતો.
આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જેમાં ડુંગરા પોલીસ સ્ટેશન, વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન તેમજ ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના લિંક રોડ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી. વલસાડની ટીમે ટીમવર્કથી પાર પાડી હતી. જેમાં પો.સ.ઇ. વાય.પી. હડિયા, એ.એસ.આઇ. અશોકકુમાર રમાશંકર, એ.એસ.આઇ. વિક્રમ મનુભાઈ, હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ધર્મસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રદાન જીલુભા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
