ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પંચાયતની કોસંબા બેઠક પર અપક્ષ ઉમેદવાર કલાવતીબેન ટંડેલનું ઉમેદવારી ફોર્મ સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો જમા ન કરાવી શકવાને કારણે રિજેક્ટ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય સામે પોતાની સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરતા તેમણે નામદાર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે, કોર્ટ દ્વારા આ અરજી પ્રારંભિક તબક્કે જ સાંભળવા યોગ્ય ન જણાતા તેને નામંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ મામલે કોસંબા બેઠક પરથી બિનહરીફ જાહેર થયેલા ભાજપના ઉમેદવાર હેતલબેન જીતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હાઇકોર્ટના આ નિર્ણયથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને નિયમસર થયાની પુષ્ટિ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોસંબા જિલ્લા પંચાયત બેઠક સહિત જિલ્લા પંચાયત હેઠળ આવતી તમામ તાલુકા પંચાયતની બેઠકો મહિલા અનામત હેઠળ આવતી હતી, અને મતદાતાઓએ મહિલાઓ પર વિશ્વાસ મૂકીને તમામ બેઠકો ભાજપને બિનહરીફ સોંપી દીધી છે.
હેતલબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા મહિલા અનામત બિલ અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ બિલથી દેશભરમાં મહિલાઓને રાજકીય ક્ષેત્રે વધુ પ્રતિનિધિત્વ અને સશક્તિકરણ મળશે. તેમણે ઉમેર્યું કે મહિલાઓ માટે સર્જાયેલા આવા અવસરોને કારણે સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે અને મહિલાઓ વધુ સક્રિય રીતે નેતૃત્વમાં આગળ આવશે.
વ્યવસાયે કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપતા હેતલબેન પટેલે જણાવ્યું કે મહિલાઓને મળતી તકોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ અને રાજકીય ક્ષેત્રે તેમની ભાગીદારી વધવાથી લોકતંત્ર વધુ મજબૂત બનશે.
